- પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને ફોરેસ્ટ વિભાગના વોલીન્ટીયરે એક કલાકની ભારે જહેમત બાદ ઘરની અંદર રહેલા મગરનું રેસ્ક્યુ કર્યું
વડોદરાના પાદરા તાલુકાના ચોકારી ગામના એક મકાનમાં રાત્રે 5 ફૂટનો મગર ધૂસી આવ્યો હતો. આ મગરને નજરે જોતા પરિવારજનોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. તેમજ આસપાસના લોકોને મગર આવવાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. બાદમાં આ ઘટનાની જાણ પાદરા પ્રાણી જીવદયા રેસ્ક્યુ ટીમને કરતાં વન વિભાગ સાથે પ્રાણી જીવરક્ષક સંસ્થા ટીમનાં વોલીન્ટીયર તાત્કાલિક પહોંચી 1 કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
આ બનાવ અંગે પાદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શૈલેષ તળપદાએ જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે આશરે સાડા બાર વાગે કોલ મળ્યો હતો કે, પાદરાના તાલુકાના ચોકારી ગામે રહેણાંક વિસ્તારમાં ઘરમાં મગર ધસી આવ્યો છે. જેથી તાત્કાલિક પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને ફોરેસ્ટ વિભાગના વોલીન્ટીયર તાત્કાલિક ગામમાં પહોંચી ગયા હતા અને ઘરની અંદર રહેલા 5 ફૂટના મગરનું એક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. આ મગર અગાઉ મહી નદીમાં આવેલા પુરના કારણે અહીં ધસી આવ્યો હોવાનું માનવામાં આવે છે. જોકે વનવિભાગે સફળતા પૂર્વક મગરનું રેસ્ક્યુ કરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ પાદરા તાલુકાના સાદરા ગામે એક ખેતરમાં ઘાસચારો કાપતા ખેડૂતે મહાકાય અજગર દેખાયો હતો અને આ અજગરે નીલ ગાયનાં બચ્ચાનો શિકાર કર્યો હતો. જે તાત્કાલિક એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરતા પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને વન વિભાગે મહાકાય અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને પાદરા વન વિભાગમાં લાવવામાં આવ્યો હતો. હાલમાં ચોમાસાનો અંતિમ તબ્બકો ચાલી રહ્યો છે, ત્યારે આવા બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે.