નવાયાર્ડમાં વિકૃત માનસિકતા ધરાવતા તત્વોએ નાગ પર પથ્થરોનો ઘા કરી મારી નાંખ્યો, વિડીયો વાયરલ

યુવાનોએ નાગ-નાગીન પર પથ્થર મારો કરતા નાગીન ભાગી જવામાં સફળ રહી હતી

MailVadodara.com - In-Navyard-deviant-elements-pelted-the-snake-with-stones-and-killed-it-the-video-went-viral

- અસામાજિક તત્વોએ લોહી લુહાણ થઇ ગયેલા નાગ ઉપર પડેલા પથ્થરો સાથેનો વિડીયો બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ પણ કર્યો

- નિર્દોષ જીવ નાગને મારી નાંખનાર તત્વો સામે કાર્યવાહી થવી જોઇએ


પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં સર્પો દરમાંથી બહાર નીકળી આવતા હોય છે. જોકે, વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જોકે, બિન ઉપયોગી આ હેલ્થ સેન્ટરના બિલ્ડીંગમાં છેલ્લા કેટલાંક સમયથી રહેતી નાગ-નાગીનની જોડી આ વિસ્તારમાં ફરી રહી હતી. દરમિયાન કેટલાંક માનસિક વિકૃત યુવાનોની નજર નાગ-નાગીનની જોડી ઉપર પડતા તેમના ઉપર પથ્થર મારો કર્યો હતો. જેમાં નાગીન ભાગી જવામાં સફળ રહી હતી. જ્યારે નાગ ભાગી ન શકતા માનસિક વિકૃત યુવાનોએ પથ્થરોનો ઘા કરી મારી નાંખ્યો હતો. અને તેનો વિડીયો બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ કર્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પાલિકા દ્વારા હેલ્થ સેન્ટરનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. જોકે, આ બિલ્ડીંગનું કામ અધુરું હોવાથી ખંડેર હાલતમાં ફેરવાઇ ગયું છે. આ બિલ્ડીંગની આસપાસ ઝાડીઓ ઉગી ગઇ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બિન ઉપયોગી હેલ્થ સેન્ટરના બિલ્ડીંગમાં નાગ-નાગીનની જોડી રહે છે. તો ક્યારેક આસપાસની ઝાડીઓમાં ફર્યા કરે છે. જોકે, હજુ સુધી આ જોડીએ કોઇને નુકશાન પહોંચાડ્યું નથી.


પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં નાગ-નાગીનની જોડી બે દિવસ પહેલાં સાંજના સમયે હેલ્થ સેન્ટરની આસપાસ ફરી રહી હતી. દરમિયાન કેટલાંક તત્વોની નજર આ જોડી ઉપર પડતા તેઓના ઉપર પથ્થરોનો વરસાદ શરૂ કરી પિસાચી આનંદ લેવાનું શરૂ કર્યું હતું. પથ્થરોના ઘા થતાં નાગ-નાગીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નાગીન ઝાડીઓમાં ઘૂસી ગઇ હતી. પરંતુ, નાગ વિકૃત માનસિકતા ધરાવતા તત્વોથી બચી શક્યો ન હતો. અસામાજિક તત્વોએ નાગ ઉપર પથ્થરો મારી લોહી લૂહાણ કરી દીધો હતો. તેથી સંતોષ ન થતાં મોટા પથ્થર માર્યા હતા. મોટા પથ્થર નીચે નાગ દબાઇ ગયો હતો અને મોતને ભેટ્યો હતો.


અસામાજિક તત્વોએ લોહી લુહાણ થઇ ગયેલા નાગ ઉપર પડેલા પથ્થરો સાથેનો વિડીયો બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ કરી દીધો હતો. વાયરલ થયેલા વિડીયોના પગલે ચકચાર મચી ગઇ હતી. વન વિભાગ દ્વારા વાયરલ થયેલા વિડીયોને ગંભીરતાથી લઇ તપાસ શરૂ કરી હતી. સ્થાનિક સામાજિક કાર્યકર નાઝીર પઠાણે જણાવ્યું હતું કે, નિર્દોષ જીવ નાગ ઉપર પથ્થરોનો ઘા કરી મારી નાંખનાર તત્વો સામે કાર્યવાહી થવી જોઇએ. તેઓએ એમ પણ કહ્યું હતું કે, આ નાગ-નાગીનની જોડી ઘણાં સમયથી બિનઉપયોગી હેલ્થ સેન્ટર અને ઝાડીઓમાં રહે છે. આજદિન સુધી તેઓથી કોઇને નુકશાન થયું નથી.

Share :

Leave a Comments