- મહિલાએ ચંદ્રવિલા સોસાયટીના ઘરમાં પ્રવેશી ક્રિતેશભાઈની પત્ની અને સંતાનો જે રૂમમાં સુતા હતા તેને બહારથી બંધ કરી દીધો હતો
માંજલપુર વિસ્તારમાં ભરબપોરે ઘરમાંથી ચોરી થઈ હતી. ઘરમાં મહિલા તેના સંતાનો સાથે ઉંઘતી હતી ત્યારે એક મહિલા ઘરમાં પ્રવેશી હતી અને મહિલા જે ઓરડામાં ઉંઘતી હતી તે ઓરડાને બહારથી બંધ કરી દઇને બાજૂના ઓરડાની તિજોરીમાં રાખેલા સોનાના દાગીના ચોરીને જતી રહી હતી. મહિલાને જ્યારે આ વિશે જ્યારે જાણ થઈ ત્યારે તેઓએ પહેલા પાડોશીને જાણ કરી હતી અને બાદમાં પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
માંજલપુર વિસ્તારમાં આવેલી ચંદ્રવિલા સોસાયટીમાં રહેતા ક્રિતેશભાઇ પટેલ સરકારી ખાતામાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે. ચંદ્રવિલા સોસાયટીનું મકાન તેમના સંબંધીનું છે, જે વિદેશમાં રહે છે. તે સંબંધીએ ક્રિતેશભાઈને મકાન રહેવા માટે આપ્યું છે. મંગળવારે બપોરે ક્રિતેશભાઈના પત્ની તેમના સંતાનો સાથે ઓરડામાં સુતા હતા. આ દરમિયાન એક મહિલા તેમના ઘરમાં પ્રવેશી હતી અને ક્રિતેશભાઈની પત્ની અને સંતાનો જે ઓરડામાં સુતા હતા તે ઓરડાને બહારથી બંધ કરી દીધો હતો.
બાદમાં મહિલા બાજૂના ઓરડામાં પ્રવેશી હતી અને તિજોરીમાંથી મંગળસુત્ર, 2 સોના ચાંદીની બંગડીઓ અને બુટ્ટી ચોરીને જતી રહી હતી. ઘરમાં રહેતી મહિલાને જ્યારે આ વિશે જાણ થઈ ત્યારે તે ગભરાઈ ગઈ હતી અને તેણે પહેલા પાડોશીઓને જાણ કરી હતી. આ બાદ પાડોશીઓએ માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે સામે આવેલી શાળાના સીસીટીવી તપાસ્યા હતા. જે ફૂટેજમાં એક મહિલા જતી દેખાય છે. મહિલા પાસે એક સ્ટીલનો ડબ્બો અને હાથમાં ડોલ દેખાય છે. પોલીસે સીસીટીવીના આધારે મહિલાની તપાસ હાથ ધરી છે.