- ઓનલાઇન પેમેન્ટ થઈ ગયું છે તેવું પોતાના મોબાઈલમાં બતાવી ગ્રાહકના સ્વાંગમાં આવેલો આરોપી આરોના વેપારી સાથે છેતરપિંડી કરી કારમાં ભાગી ગયો હતો
વડોદરા શહેરમાં દિવસેને દિવસે ઠગાઈની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. માંજલપુરમાં સેલ્સ એન્ડ સર્વિસનો વેપાર કરતા વેપારીએ RO આપ્યા બાદ ગ્રાહકના સ્વાંગમાં આવેલા ઠગે નકલી એપ્લિકેશન દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી ફરાર થઇ ગયો હતો. બાદમાં વેપારી ખાતામાં ચેક કરતા ઠગાઈ થઈ હોવાનું જાણવા મળતા પાછળ ગયો હતો, પરંતુ તે હાથ લાગ્યો નહોતો અને આખરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના માંજલપુર વિશ્વામિત્રી ટાઉનશિપમાં રહેતા રોહિત હરેન્દ્રભાઇ યાદવ મકાનના આગળના ભાગે જ રૂષભ એન્ટરપ્રાઇઝ નામથી આરો સેલ્સ એન્ડ સર્વિસના નામે વેપાર કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત પાંચમી તારીખે સવારે 9.00 વાગે હું મારા દુકાન પર હતો. તે સમયે સાંજના સાડા ચાર વાગ્યે એક આરોપી ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો. બાદમાં મેં તેને અલગ અલગ કિંમતના RO બતાવ્યા હતા. જે પૈકી તેને એક RO પસંદ કરી તેની કિંમત પૂછતા મેં રૂપિયા 9,700 કહ્યું હતું. ગ્રાહકે ઓનલાઇન પેમેન્ટ કરવાનું જણાવતા મેં મારો ક્યુઆર કોડ બતાવી સ્કેન કરી પેમેન્ટ કરવા માટે કહ્યું હતું. આરોપીએ ક્યુ.આર કોડ સ્કેન કરી પેમેન્ટ થઈ ગયું છે તેવું બતાવીને તેની કારમાં બેસીને જવા લાગ્યો હતો, પરંતુ મારા મોબાઇલમાં પેમેન્ટ બાબતે કોઈ મેસેજ ના આવતા હું તેને રોકવા પાછળ ગયો હતો પરંતુ તે કાર ચાલુ કરીને ભાગી ગયો હતો.
આ બાબતે મેં તેની પાછળ બાઈક લઈને ગયો હતો, પરંતુ તે મળી આવ્યો ન હતો ત્યારબાદ મને જાણવા મળ્યું કે આવી ફેક એપ્લિકેશન આવતી હોય છે. જે બાબતે મને જાણકારી મળી કે મારી સાથે ઠગાઈ થઈ છે. ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે અન્ય એક દુકાનમાંથી પણ એ આરોપી આ રીતે 13,000ની છેતરપિંડી કરી ગયો છે. આ બનાવને લઇ માંજલપુર પોલીસે વલય સોલંકી નામના યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.