- પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આરોપીની ફરાર પત્ની મીનાક્ષીને વોન્ટેડ જાહેર કરી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ઘરમાં દેશી દારૂ બનાવી વેચાણ કરતો વિક્રમ ઠાકોર દેશી દારૂની 300 પોટલીઓ સાથે પીસીબીના હાથે ઝડપાયો હતો. જ્યારે મદદગાર પત્નીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, માંજલપુર વિસ્તારના પાલ મીરા ફ્લેટની સામે ખોડિયારનગર ઝુંપડપટ્ટીમાં વિક્રમ ઉર્ફે વિકી ખોડાભાઈ ઠાકોર પોતાના મકાનમાં દેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી વિક્રમ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. ઘરની તલાસી લેતા કબાટમાંથી 300 નંગ દેશી દારૂની પોટલી ભરેલ પ્લાસ્ટિકના બે થેલા મળી આવ્યા હતા. પોલીસની પૂછતાછમાં આરોપીએ કબુલાત કરી હતી કે, પોતે તેની પત્ની મીનાક્ષી સાથે ઘરમાં જ દારૂ બનાવે છે અને તે દારૂનું છૂટક વેચાણ કરે છે. જેથી પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આરોપીની ફરાર પત્ની મીનાક્ષીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.