માણેજાની રાધા-કૃષ્ણપાર્ક સોસાયટીમાં મોડીરાત્રે એકસાથે 9 મકાનોના છતની પેરાફિટ તૂટી પડી, ૩ મહિલાઓને ઇજા

બાંધકામ 30થી 35 વર્ષ જૂનું થઇ ગયું હોવાથી તંત્રએ દિવસે નોટિસ લગાવીને રાત્રે ધરાશાયી

MailVadodara.com - In-Manejani-Radha-Krishnapark-society-roof-parafit-of-9-houses-collapsed-together-late-night-3-women-injured

- ઘટનાને પગલે લોકોમાં ફફડાટ, રહીશોએ બિલ્ડરને જવાબદારી ઠેરવી રોષ વ્યકત કર્યો


વડોદરા શહેરના માણેજા ફાટક પાસે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એકસાથે 9 મકાનની છતની પેરાફિટ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં ત્રણ મહિલાને નાની મોટી ઇજાઓ પહોંચી છે. આ ઘટના બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવમાં રહીશોએ બિલ્ડરને જવાબદારી ઠેરવી તેની સામે રોષ વ્યકત કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, બાંધકામ 30થી 35 વર્ષ જૂનું હોવાથી તંત્રએ તા.10 જૂને મકાન માલિકોને નોટિસ આપી હતી અને નોટિસ આપ્યાની રાત્રે જ ઘટના બની છે.


શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડોદરા શહેરમાં ઠેર-ઠેર ઝાડ પડવા, હોર્ડિંગ તૂટી પડવા સહિત કેટલીક જર્જરીત ઇમારતોનો કેટલોક ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી. શહેરના માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે લોકો પોતાના ઘરમાં આરામ ફરમાવી રહ્યા હતા. દરમિયાન અચાનક એક સાથે આઠથી નવ મકાનોની છતની પેરાફિટ ધડાકા સાથે તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં ત્રણ જેટલી મહિલાને ઈજા પહોંચી હતી. મોડી રાત્રે ધડાકા સાથે એક સાથે 9 મકાનોના છતની પેરાફિટ તૂટી પડતા ઘર આગણે સૂઇ રહેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી મૂકી હતી. મોડીરાત્રે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સદભાગ્યે મોટી જાનહાની થઇ નથી.


આ મામલે મકાન માલિક પિયુષભાઈ પરમારે જણાવ્યું હતું કે, સોસાયટીમાં રો- હાઉસ મકાનો છે. જે પૈકી એક અમારા મકાનની છતની પેરાફીટ તૂટી પડી છે. જેમાં મારી પત્નીને વધારે ઈજા પહોંચી છે. 5થી 6 જગ્યા પર શરીરના ભાગે ક્રેક પડી છે. બિલ્ડરની બેદરકારી છે. તેની સામે પગલાં લેવા જોઈએ. 8થી 9 મકાનોની છત તૂટી પડી હતી. 


સ્થાનિક મહિલા અનિતાબેને જણાવ્યું હતું કે, હું અને મારા પતિ બહાર બેઠા હતા અને બાળકને ખવડાવી રહ્યા હતા. આ દરમિયાન એકદમ જ ઉપરથી છતની પેરાફિટ તૂટી પડી. પેરાફિટ તૂટવાનો અવાજ થતાં લોકો દોડી આવ્યા હતા. મને માથામાં વાગ્યું હતું. અમે ફસાઈ ગયા હતા, જેથી બુમાબુમ કરતા લોકોએ દોડી આવી અમને બહાર કાઢ્યા હતા. અમે માંડ બચ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા જર્જરીત મકાનોને નિર્ભયતાની નોટિસો આપવામાં આવી છે. સોમવારે સવારે વારસીયામાં વર્ષો જૂની હવેલીનો એક ભાગ તૂટી પડયો હતો. નોટિસ આપ્યાના દિવસે જ માણેજા વિસ્તારમાં રો-હાઉસ 9 મકાનોના છતની પેરાફિટ તૂટી પડી હતી. ચોમાસાની શરૂઆત થઇ નથી ત્યાં શહેરમાં જર્જરીત મકાનો પડવાની ઘટનાઓ શરૂ થઇ છે. આવનાર દિવસોમાં જર્જરીત મકાનો મોટું જોખમ ઉભું કરી શકે છે.

Share :

Leave a Comments