- કોરોનાના કારણે બે વર્ષથી ફીમાં વધારો કરાયો નહોતો અને યુનિવર્સિટીના તમામ ખર્ચા સરકારની ગ્રાંટમાંથી પૂરા કરવા શક્ય નથી, એટલે ફી વધારો કર્યો હોવાનું જણાવાયું
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ગઇકાલે શુક્રવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં વિદ્યાર્થીઓની ફી માં વધારો કરવાની દરખાસ્તને લીલી ઝંડી આપી દેવામાં આવી છે, જેમાં જે કોર્સની ફી 20 હજારથી નીચે હોય તેમાં 10 ટકા અને 20 હજારથી ઉપર ફી ધરાવતા કોર્સમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે નવા શૈક્ષણિક સત્રથી 45 હજાર જેટલા વિદ્યાર્થીઓના માથે 7 થી 8 કરોડ રૂપિયાના ફી વધારાનો બોજો આવશે.
મળતી વિગતો પ્રમાણે, એમ. એસ. યુનિવર્સિટીના ગ્રાન્ટ ઈન એઈડ અને હાયર પેમેન્ટ એમ બંને પ્રકારના કોર્સમાં ફી વધારો કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓની ફી ૨૦ હજાર રુપિયા કરતા ઓછી છે તેમની ફીમાં ૧૦ ટકા અને જેમની ફી ૨૦ હજાર રુપિયા કરતા વધારે છે તેમની ફીમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં પણ પાંચ ટકાનો વધારો કરવાની દરખાસ્તને પણ મંજૂર રાખવામાં આવી છે. આમ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પણ વધશે. જોકે તેની સામે પરીક્ષા વિભાગના રેઢિયાળ વહિવટના કારણે પરિણામ, માર્કશીટ અને ડિગ્રી સમયસર મળશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી.
ફી વધારા માટે એવું કારણ અપાયુ છે કે, કોરોનાના કારણે બે વર્ષથી ફીમાં કોઈ જાતનો વધારો કરાયો નહોતો અને બીજી તરફ સરકારની ગ્રાંટમાંથી યુનિવર્સિટીના તમામ ખર્ચા પૂરા કરવા શક્ય નથી. એટલે ફી વધારો કરવો જરુરી છે. જોકે ફી વધારાનો બોજો હાયર પેમેન્ટ કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓ પર વધારે આવશે. સાથે સાથે પદવીદાન સમારોહમાં ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આગામી ૩ વર્ષ માટે એક સાથે ૫૦ હજાર સ્કાર્ફ ખરીદવાની દરખાસ્ત પણ મંજૂર કરાઈ છે. સિન્ડિકેટ સભ્યોએ દલીલ કરી હતી કે, ભૂતકાળમાં પણ આ રીતે સ્કાર્ફ ખરીદવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટરના બ્રિટનના પ્રવાસને સિન્ડિકેટે મંજૂરી આપી દીધી છે.આ પ્રવાસ માટે ૭.૨૦ લાખ રુપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી છે.૭ થી ૧૫ મે સુધી વાઈસ ચાન્સેલર બ્રિટનની વિવિધ યુનિવર્સિટીની મુલાકાત લેશે અને એમ.એસ.યુનિવર્સિટી સાથેના જોડાણ માટે ચર્ચા કરશે.
એબીવીપી દ્વારા આપેલા આવેદનપત્રમાં એકેડમીક કેલેન્ડર જાહેર કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત કેમ્પસમાં વિદ્યાર્થીની સુરક્ષા માટે શી ટીમ કે અભયમ જેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ પણ કરવામાં આવી હતી. ફાર્મસીમાં બેઠક વધારવાની પણ માંગણી કરાઇ હતી. આ ઉપરાંત વિવિધ ફેકલ્ટીઓમાં સમયસર પરિણામ જાહેર કરવા સહિત શૈક્ષણિક-બિન શૈક્ષમિક કર્મચારીઓની ભરતી કરવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી. એમએસયુ ડીજીટલના પોર્ટલની ખામીઓને દૂર કરવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી.
એમ.એસ.યુનિવર્સિટીના હંગામી કર્ચચારીઓએ સતત બીજા દિવસે ધરણાં પ્રદર્શન કર્યું હતું. શુક્રવારે સિન્ડિકેટની બેઠક હોવાથી હંગામી કર્મચારીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનિયનના પ્રમુખ અરુણ સોંલકીએ જણાવ્યું હતું કે એક સિન્ડિકેટ સભ્યો હંગામી કર્મચારીઓને મળવા આવ્યા નથી.