- પ્રિન્સિપાલ ન મળતા વિદ્યાર્થીઓએ ઓફિસની બહાર બેસી સૂત્રોચ્ચાર કર્યા, પ્રિન્સિપાલની ઓફિસ બહાર અને કાર પર આવેદનપત્ર ચોંટાડ્યું
વડોદરા શહેરની MS યુનિવર્સિટીની પોલિટેક્નિક કોલેજમાં સેમેસ્ટર 5 અને 6ની ATKTની પરીક્ષાને 100 દિવસ થઇ ગયા હોવા છતાં રિઝલ્ટ આવ્યું નથી. આ રિઝલ્ટ જાહેર કરવાની માગ સાથે આજે વિદ્યાર્થી વિકાસ સંઘે પોલિટેકનિક કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થી વિકાસ સંઘના વિદ્યાર્થીઓ આજે બપોરે પોલિટેકનિક કોલેજ ખાતે પહોંચ્યા હતા. જોકે, પ્રિન્સિપાલની ઓફિસને તાળું મારેલું હતું અને પ્રિન્સિપાલ ન મળતા તેઓ ઓફિસની બહાર બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત ભજન ગાઈને વિરોધ કર્યો હતો. છેલ્લે તેઓએ પ્રિન્સિપાલની ઓફિસ બહાર અને તેમની કાર ઉપર આવેદનપત્ર ચોંટાડી દીધું હતું.
વિદ્યાર્થી વિકાસ સંઘે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, પોલિટેક્નિક કોલેજની ATKTની સેમેસ્ટર 6ની પરીક્ષા દિવાળી વેકેશન પૂર્વે ઓક્ટોબરમાં લેવાઈ હતી. તેમજ સેમેસ્ટર 5ની પરીક્ષા નવેમ્બરમાં લેવાઇ હતી. આ પરીક્ષા લેવાયાને 100 દિવસ જેટલો સમય થઇ ચુક્યો છે. તેમ છતાં હજુ સુધી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. પોલિટેક્નિકના ઇતિહાસમાં રિઝલ્ટ જાહેર કરવામાં આટલો વિલંબ ક્યારેય થયો નથી. રિઝલ્ટ જાહેર ન થવાના પરિણામે આ ડિપ્લોમા ફાઇનલ યરના વિદ્યાર્થીઓ બેરોજગાર બેઠા છે અને નોકરી મેળવી શકતા નથી. જેનું કારણ યુનિવર્સિટીની બેદરકારી છે. અમારી માંગણી છે કે, આ રિઝલ્ટને તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે.
વિદ્યાર્થી વિકાસ સંઘના પ્રમુખ પાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, પરીક્ષાને 100 દિવસ થઈ ગયા છે, તેમ છતાં 150 જેટલા ATKTના વિદ્યાર્થીના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા નથી. જેથી આજે અમે પોલિટેકનિક કોલેજમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પણ અમારી રજૂઆતમાં સાંભળવાનું કોઈ નથી. જેથી અમે પ્રિન્સિપાલની ઓફિસની બહાર આવેદનપત્ર ચોંટાડી દીધું છે. આ ઉપરાંત તેમની કાર ઉપર પણ આવેદનપત્ર ચોંટાડ્યું છે. આગામી દિવસોમાં જો અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.