કરજણ તાલુકાના કોડીયા ગામે ‘ચોર આવે છે, તો તું કેમ જાગતો નથી’ કહી માતા-પુત્ર સાથે ઝઘડો કરી માર માર્યો

કરજણ પોલીસ મથકમાં રેવાબેન રમણભાઇ માળીએ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - In-Kodiya-village-of-Karajan-taluka-a-mother-son-quarreled-and-beat-her-saying-thieves-are-coming-why-dont-you-wake-up

- કરજણ પોલીસે હિતેષ પાટણવાડીયા, કૌશિક પાટણવાડીયા, ચીરાગ પાટણવાડીયા, ઉમેશ પાટણવાડીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

વડોદરા જિલ્લામાં ચોર ટોળકી હુમલા કરી લૂંટ ચલાવી રહી હોવાની ચાલી રહેલી વાતો વચ્ચે કરજણ તાલુકાના કોઠીયા ગામમાં “ગામમાં ચોર આવે છે, કેમ જાગતો નથી”, તેમ જણાવી માતા અને પુત્ર પર ગામના વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

કરજણ પોલીસ મથકમાં રેવાબેન રમણભાઇ માળીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 7 ઓક્ટોબરના રોજ રાત્રે તેઓ પુત્ર સાથે જમી પરવાનીને ઓટલા પર બેઠા હતા. તે વખતે ઘરની બાજુમાં રહેતા હિતેષ નટુભાઇ પાટણવાડીયા તેમના ઘરે આવ્યા હતા. અને કહેવા લાગ્યા કે, ગામમાં ચોર આવે છે, તો અમે બધા જાગીએ છીએ. તો તું કેમ જાગતો નથી. અને સુઇ જાય છે. તારે પણ જાગવું પડશે.

જેથી સામે શૈલેષે કહ્યું કે, હું પાંચ દિવસથી જાગું છું. મારી અને ગઇ કાલે મારી તબિયત ખરાબ હતી. જેથી હું જાગેલ નથી. અને આજે પણ મારી તબિયત બરાબર નથી. જેથી હું આજે પણ જાગવાનો નથી. તમારે જાગવું હોય તો જાગો. બાદમાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને શૈલેષ જોડે ઝઘડો કરીને બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં હિતેષે માર માર્યો હતો. જેથી તેની માતાએ વચ્ચે પડીને બચાવ કરવા જતા ચારેયે તેમને માર માર્યો હતો. જેથી તેઓ નીચે પડી ગયા હતા.

આ ઉપરાંત હુમલાખોરોએ જતા જતા કહેતા ગયા કે, હવે પછી અમારૂ નામ લઇશ, કે અમારી સામે પડીશ તો જાનથી મારી નાંખીશું. તેમ કહીને જતા રહ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત માતા-પુત્ર સુઇ ગયા હતા. સવારે હાથ અને પગમાં ભારે દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાં મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું.

કરજણ પોલીસે ફરિયાદ આધારે હિતેષ નટુભાઇ પાટણવાડીયા, કૌશિક છોટાભાઇ પાટણવાડીયા, ચીરાગ મોતીભાઇ પાટણવાડીયા, ઉમેશ છોટાભાઇ પાટણવાડીયા (તમામ રહે. કોઠીયા, કરજણ, વડોદરા ગ્રામ્ય) સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share :

Leave a Comments