- ગઈકાલે સોમા તળાવ ચાર રસ્તા વિસ્તારમાં ફૂડ ડિલિવરી માટે જતા 27 વર્ષના હરિનાથ રાઠવાનું પતંગના દોરાથી ગળું કપાઇ જતાં મોત નીપજ્યું હતું
- ટુ-વ્હીલર પર જતા દરેક નાગરિકે મફલર સાથે જ સેફટી તાર રાખવો ખૂબ જ આવશ્યક
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના સ્વામિનારાયણ મંદિર નજીકથી બાઈક પર જઈ રહેલા યુવકના ગળાના ભાગે પતંગની દોર ભરાઈ જતા ગળું કપાઈ જવાથી ઇજા પહોંચી હતી. બાદમાં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આવો જ બનાવ ગઈકાલે સોમા તળાવ વિસ્તારમાં બન્યો હતો જ્યા એક ડિલિવરી બોયનું મોત નીપજ્યું હતું.
શહેરના હાથી ખાના વિસ્તારમાં રહેતા 30 વર્ષના હસીમ તાહિર શેખ આજે સવારે પોતાનું બાઈક લઇ કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર પાસેથી કામ કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેના ગળાના ભાગે પતંગનો દોરો આવી જવાથી ગંભીર ઈજા થઈ હતી. ઘાયલ યુવકને તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની પ્રાથમિક તપાસમાં આ દોરો રેડ કલરનો અને પાયેલો હોવાનું સામે આવ્યું છે. કારણ કે આ યુવકે હેલમેટ પહેર્યું હતું અને તેના પર નિશાન અને દોરી પણ મળી આવી છે છતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજના બનાવ અંગે યુવક સારવાર હેઠળ છે, કારેલીબાગ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ફરિયાદની કાર્યવાહી આરંભી છે. તપાસ બાદ ખબર પડશે કે આ દોરી ચાઈનીઝ છે કે અન્ય તે ખબર પડશે.
ઉલ્લેખનીય છે કે, ગત રોજ શહેરના સોમા તળાવ ચાર રસ્તા વિસ્તારમાં ફૂડ ડિલિવરી માટે જતા 27 વર્ષના હરિનાથ રાઠવાનું ગળાના ભાગે પતંગનો દોરો આવી જવાથી ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. ત્યારે સતત બીજા દીવસે આ બનાવ સામે આવ્યો છે. ત્યારે દરેક નાગરિકે ટુ વ્હીલર પર જતા પહેલા સાવચેતીના ભાગરૂપે મફલર સાથે જ સેફટી તાર રાખવો ખૂબ જ આવશ્યક બને છે.
નોંધનીય છે કે, પતંગનો આનંદ લૂંટવા માટે ધારદાર દોરનો ઉપયોગ કરવો એ હંમેશા જીવલેણ સાબિત થતો હોવાથી તેનાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. સાથે વાહન ચાલકે એક મહિના સુધી ગળા પર પ્રોટેક્શન પટ્ટો લગાવવો હિતાવહ છે. સાથે ટુ વ્હીલર વાહન હોય તો સ્ટેરીંગ પર તાર લગાવી પોતાનાં ગળાનો બચાવ થઈ શકે છે. ત્યારે મકરસંક્રાંતિ પૂર્વે આવા બનાવોથી દુર રહેવા સાવચેતી જરૂરી છે.