વડોદરાના કમાટીબાગમાં છેલ્લાં ચાર વર્ષથી બંધ ત્રણ રાઈડ જૂની થઇ જતાં ખસેડવાનું કામ શરૂ

અમદાવાદના કાકરીયામાં થયેલી દુર્ઘટના બાદથી આ ત્રણેય રાઇડ બંધ થઈ હતી

MailVadodara.com - In-Kamatibagh-of-Vadodara-the-work-of-moving-three-rides-closed-for-the-last-four-years-has-started

- હવે ટૂંક સમયમાં કમાટીબાગમાં આવતા સહેલાણીઓ માટે આનાથી પણ વધુ સારી અને સુરક્ષિત રાઇડ લાવવાનું આયોજન


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગમાં છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં ત્રણ રાઈડ હવે જૂની થઈ જતા સલામતીના કારણોસર તેને ખસેડી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આના સ્થાને હવે ટૂંક સમયમાં નવી રાઈડ્સ લાવવાનું આયોજન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.


મળતી વિગત અનુસાર, અમદાવાદના કાંકરિયા ખાતે અગાઉ રાઈડની દુર્ઘટના સર્જાઇ હતી અને તેમાં કેટલાકે જાન ગુમાવ્યા હતા અને ઘાયલ પણ થયા હતા. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુજરાતમાં જ્યાં પણ આવી મિકેનિકલ રાઈડ્સ આવેલી છે તે નહીં ચલાવવા અને ફિટનેસ સર્ટિફિકેટ મળે ત્યારબાદ જ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. વડોદરાના કમાટીબાગમાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળકો માટે જોય ટ્રેન ચલાવવામાં આવે છે જેના દ્વારા રાઈડ ઝોનમાં ત્રણ રાઈડ મૂકવામાં આવેલી છે. જેમાં ઓક્ટોપસ, ટોરાટોરા અને ફીશ બીનનો સમાવેશ થાય છે. અમદાવાદના કાકરીયા દુર્ઘટના બાદ આ ત્રણે રાઈડ ચાર વર્ષથી બંધ હાલતમાં હતી. કોન્ટ્રાક્ટર દ્વારા આ રાઈડને લગતા તમામ કાગળ વગેરે પણ આરએન્ડબી વિભાગમાં રજૂ કર્યા હતા, પરંતુ ત્યાંથી રાઈડ ચાલુ રાખવા સર્ટિફિકેટ મળ્યું ન હતું. જેથી છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં અને જૂની થઈ ગયેલી આ રાઈડ સલામતી વગેરે કારણોસર ધ્યાનમાં રાખી ખસેડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હવે કમાટીબાગમાં આવતા સહેલાણીઓ માટે ટૂંક સમયમાં આનાથી પણ વધુ સારી અને સુરક્ષિત રાઇડ લાવવાનું આયોજન કોન્ટ્રાક્ટર દ્વારા વિચારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.


Share :

Leave a Comments