- ગામ લોકોએ કહ્યું, સૂર્યા કોતરમાં અનેક મગરો વસવાટ કરી રહ્યા છે, ક્યારેક ખેતરોમાં ધસી આવી પશુઓનો પણ શિકાર કરીને લઇ જાય છે
વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામની સીમમાંથી પસાર થતા સૂર્યા કોતરમાં હાથ-પગ ધોવા માટે ઉતરેલા વૃદ્ધ ઉપર મગરે હુમલો કરી જડબામાં પકડી લીધા હતા. વૃદ્ધે જંગલી વેલ પકડી બુમરાણ મચાવતા પસારથી મહિલા મદદે દોડી આવી હતી. જોકે, વૃદ્ધને મગરના જડબામાં જોતા તેઓએ બુમો પાડી અન્ય લોકોને બોલાવી મગરના જડબામાંથી વૃદ્ધને છોડાવી લીધો હતો. જોકે, મગરના દાંતથી ગંભીર ઇજા પામેલા વૃદ્ધનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામમાં ડોલણીયા ફળિયામાં રહેતા રયજીભાઈ ભુપતભાઈ પરમાર (ઉં.વ.65) ગામની સીમમાં પુનમ નાનાભાઇ પરમારના ખેતરમાં કુદરતી હાઝતે ગયા હતા. દરમિયાન તેઓ ખેતર પાસેથી પસાર થતા સૂર્યા કોતરમાં હાથ-પગ ધોવા માટે ગયા હતા. આ દરમિયાન રયજીભાઈ કોતરના પાણીમાં હાથ-પગ ધોઇ રહ્યા હતા. તે સમયે એકાએક મગર ધસી આવ્યો હતો અને રયજીભાઈનો પગ જડબામાં જકડી દીધો હતો. મગરે પગ પકડતાજ રયજીભાઈએ કોતર પાસેની જંગલી વેલ પકડી લીધી હતી અને બચાવો...બચાવો...ની બુમરાડ મચાવી મૂકી હતી. રયજીભાઈની બુમો સાંભળી પસાર થઇ રહેલા ગામના વિણાબેન દોડી ગયા હતા. જ્યાં તેઓએ રયજીભાઈનો પગ મગરના મોંઢામાં જતા તેઓ પણ ગભરાઇ ગયા હતા. મગરના મોંઢામાંથી રયજીભાઈને છોડાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ રયજીભાઈ પગ મગરના મોંઢામાંથી છોડાવી શક્યા ન હતા.
મળેલી માહિતી પ્રમાણે મગર એક તરફ રયજીભાઈને પાણીમાં ખેંચી રહ્યો હતો. જ્યારે બીજી બાજુ રયજીભાઈ વેલને મજબૂતાઇથી પકડીને પોતાને બચાવી રહ્યા હતા. તે સાથે વિણાબહેને પણ રયજીભાઈનો એક હાથ પકડી રાખીને રયજીભાઈને પાણીમાં ખેંચી જવા માટે જોર લગાવી રહેલા મગરના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યો હતો.
આ દરમિયાન વિણાબહેને બુમરાણ મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા અને મગરની આંખો અને મોંઢા ઉપર ઘા કરી રયજીભાઈને મગરના મોંઢામાંથી બચાવ્યા હતા. લોહીલૂહાણ થઇ ગયેલા રયજીભાઈને તુરંત જ પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ગામ લોકોએ જણાવ્યું હતું કે, સૂર્યા કોતરમાં અનેક મગરો વસવાટ કરી રહ્યા છે. ક્યારેક ખેતરોમાં પણ ધસી આવે છે. ક્યારેક મગરો પશુઓનો પણ શિકાર કરીને લઇ જાય છે. આ બનાવ અંગે વાઘોડીયા પોલીસે જાણવાજોગ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.