- અજાણ્યા વાહને ટક્કર મારતા બંને હવામાં ફંગોળાયા હતા, બંનેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યાં
વડોદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતમાં બે મિત્રોના મોત નીજપતાં ચકચાર મચી જવા પામી છે. ડભોઇ તાલુકાના ધરમપુરી ગામના બે મિત્રો ભજન માટે અન્ય ગામ જતા હતા ત્યારે તેમને કાળ ભરખી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહને ટક્કર મારતા બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ બનાવને લઇ ડભોઇ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ધરમપુરી ગામમાં રહેતા બે મિત્રો રાજેશ રાજીવભાઈ રાઠોડિયા (ઉં.વ.22) અને તુષારગીરી મહેશગીરી ગોસ્વામી (ઉં.વ.26) બંને મિત્રો ડભોઇ તાલુકાના સાપા ગામે ભજન હોય ભજનમાં જવા મોટરસાયક્લ પર સાપા ગામે જવા નીકળ્યા હતા. આ દરમિયાન ડભોઇ તાલુકાના કાયાવરોહણ ચાર રસ્તા નજીક સામેથી પુરઝડપે આવી રહેલ અજાણ્યા વાહનચાલકે બંને મિત્રોની મોટરસાયક્લને ટક્કર મારતા બંને હવામાં ફંગોળાઈ નીચે પટકાયા હતા, જેને પગલે બંનેને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ છે. આ બનાવની જાણ થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
આ બનાવને લઇ ડભોઇ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને યુવકોના મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં મૃતક રાજેશભાઈ રાઠોડિયા ઘરે ખેતી કામ કરે છે અને તુષારગીરી ગોસ્વામી પોતાના પિતાનો ફરાસખાનાનો વ્યવસાય સાથે જોડાયેલ હોવાની વિગતો સામે આવી છે. એક મૃતક યુવકને બે સંતાનો છે અને તેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવને લઇ ડભોઇ પોલીસે મૃતકના પિતા રાજીવભાઇ રાઠોડિયાની ફરિયાદના આધારે ગુનો નોંધીને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.