- જે.પી. પોલીસ સ્ટેશનથી રાણેશ્વર ચાર રસ્તા સુધીના રોડ ઉપર વધી ગયેલા દબાણો દૂર કરવાની ફરિયાદો મળતા દબાણો દૂર કરાયા, અંદાજે બે ટ્રક સામાન જપ્ત કરાયો
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા પુનઃ એકવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે તાંદલજા -રાણેશ્વર રોડ ઉપર દબાણ શાખા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા માટે દબાણ શાખાની ટીમ પહોંચતાંજ દબાણકારોએ સામાન બચાવવા દોડધામ કરી મૂકી હતી.
વડોદરા કોર્પોરેશનના દબાણ શાખાની શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની અવિરત ઝુંબેશ ચાલી રહી છે. આજે દબાણ શાખાની ટીમ સાથે જે.પી. પોલીસ સ્ટેશન સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમોને સાથે રાખી તાંદલજા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખાની પહોંચતાની સાથે ગેરકાયદે લારીઓ ઉભી કરનારાઓએ પોતાની લારીઓ બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી.
દબાણ શાખાના અધિકારી અમીત મહેરીયાએ જણાવ્યું હતું કે, તાંદલજા જે.પી. પોલીસ સ્ટેશનથી રાણેશ્વર ચાર રસ્તા સુધીના રોડ ઉપર વધી ગયેલા દબાણો દૂર કરવા માટે ફરિયાદો મળી હતી. જોકે, અગાઉ અનેક વખત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આમ છતાં, દબાણો થઇ ગયા હતા. ફરિયાદોને પગલે આજે આ રોડ ઉપરના લારીઓ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંદાજે બે ટ્રક સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
તાંદલજા-રાણેશ્વર સુધીધીના રોડ ઉપર દબાણો વધી જતાં વાહન વ્યવહાર ઉપર અસર પડી રહી હતી. પગપાળા જતાં લોકો પણ મુશ્કેલીમાં મુકાઇ જતાં હતાં. અકસ્માતોની પણ દહેશત રહેતી હતી. પરિણામે આજે પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.