- લારી ગલ્લાવાળા અને કર્મચારીઓ વચ્ચે તો તું તું મેં મેં થતા પોલીસે મામલો થાળે પાડ્યો
શહેરના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી-ગલ્લા હટાવવાની કામગીરી ગઈકાલે મોડી રાત્રે પોલીસ અને કોર્પોરેશનના તંત્રએ હાથ ધરી હતી. તે દરમિયાન લારી ગલ્લાવાળા અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે તો તું તું મેં મેં થતા પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.
રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના મુજબ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના પોલીસ સ્ટેશનમાંથી રાત્રિ દરમિયાન લારી-ગલ્લા પર અડ્ડો જમાવીને બેસનારા તત્વો સામે અટકાયતની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગઈકાલે 400થી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે રાત્રી દરમિયાન લારી-ગલ્લા ઉભા રાખી તે સ્થળે માથાભારે તત્વો અડ્ડો જમાવીને બેસી રહેતા હોય છે તેવા લારી ગલ્લા હટાવવાની કામગીરીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચેના ભાગમાં મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન કેટલાક લારી-ગલ્લા વાળા અને કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ વચ્ચે તું તું મેં મેં થતા ફતેગંજ પોલીસના ઇન્સ્પેક્ટર તથા સ્ટાફે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો. દરમિયાનમાં ત્રણ ટ્રક ભરીને લારી ગલ્લા તથા સામાન જપ્ત કર્યો હોવાનું જાણવા મળે છે.