- સરકાર સાથે તકરાર નથી ઈચ્છતા અને વાટાઘાટોથી આનું નિવારણ આવે તેવી આશા : વેપારી
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં હેરિટેજ સ્કવેર બનાવવા ઉદ્દેશ અને પદ્માવતી બિલ્ડીંગ જર્જરિત હોવાથી તેને તોડી પાડવા પાલિકા દ્વારા અહીં દુકાનદારો અને વિવિધ કચેરી ધારકોને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે, જેને લઈને તમામ વેપારીઓ ચિંતિત બન્યા છે. જોકે તેઓને વિધાનસભાના દંડક બાળુ શુકલ, સ્થાથી સમિતિ અધ્યક્ષ શિતલ મિશ્રઓ અને મ્યુ. કમિશનર દિલીપ રાણાએ આપેલા વચન પર વિશ્વાસ છે અને તેઓને નિર્ધારિત જગ્યા મળશે ત્યારબાદ આ બિલ્ડીંગમાં ખાલી કરાવશે તેવી આશા છે. જોકે, કોર્પોરેશન ખાલી કરવા આવશે તો વેપારીઓને કોર્ટમાં જવું કે નહીં? તે માટે આગામી દિવસોમાં એક એજીએમ બોલાવવામાં આવશે અને તેમાં જે નિર્ણય થશે તેના આધારે આગળ રણનીતી તૈયાર કરશે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલી નોટિસ બાદ આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ એકઠા થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી અહીં હેરિટેજ સ્કવેર બનાવવાનું નક્કી થયું ત્યારથી અમારી તંત્ર સાથે આ મામલે ચર્ચા વિચારણા ચાલી રહી છે. અમને આ માટે કારેલીબાગ વિસ્તારમાં આવેલી રાત્રી બજારની સામે જગ્યા ફાળવવા માટે તંત્રએ તૈયારી બતાવી હતી. જ્યાં અમને બિલ્ડીંગ તૈયાર કરી ન અપાયા ત્યાં સુધી અકોટા ડી માર્ટ પાસે આવેલા કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ મારી જગ્યાની ફાળવણી કરવામાં આવશે તેવું ઠરાવવામાં આવ્યું હતું. પરંતુ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય અને આચારસંહિતા અમલી બને તે અગાઉ મળેલી સ્થાયી સમિતિમાં અચાનક ઠરાવ કેમ બદલાઈ ગયો તેનો અમને ખ્યાલ નથી.
આ અંગે વેપારી પપ્પીભાઇએ જણાવ્યું હતું કે, અમારી માગ સંતોષવામાં આવે તો તમામ વેપારીઓ સન્માનજનક રીતે જવા તૈયાર છીએ અને આ માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે. અમારા સમાજના ડી.એન.એ અને લોહીમાં ભાજપ છે.
વેપારીઓએ જણાવ્યું કે, અમે વર્ષોથી અહીં વેપાર કરનાર નિર્દોષ વેપારીઓ છીએ. સરકારમાં GST સહિત તમામ ટેક્સ ભરી બંધારણ મુજબ વેપાર કરીએ છીએ. અમે સરકાર સાથે તકરાર નથી ઈચ્છતા અને વાટાઘાટોથી આનું નિવારણ આવે તેવી આશા છે.
પદ્માવતી સેન્ટરમાં ધંધો કરનાર વેપારી સંતોષભાઈએ જણાવ્યું હતું કે, તંત્ર જે નોટિસ આપી છે. આ મામલે અમે વિધાનસભાના દંડક બાળુકૃષ્ણ શુક્લને મળ્યા ત્યારે તેઓએ મૌખિક રીતે જણાવ્યું છે કે, અમારે 15 દિવસની સમય મર્યાદામાં જગ્યા ખાલી કરવાની નથી. જે નોટીસ આપી છે તે એક રૂટીન પ્રોસેસ છે. સમગ્ર પ્રકરણમાં કોર્પોરેશને કેવીએટ દાખલ કરી છે, ત્યારે વેપારીઓએ હવે આ મામલે કોર્ટમાં જવું કે નહીં? તે માટે આગામી દિવસોમાં એક એજીએમ બોલાવવામાં આવશે અને તેમાં જે નિર્ણય થશે તેના આધારે આગામી નિર્ણયો લેવાશે.