વડોદરા શહેરના ચારેય ઝોનમાં હાઈરાઈઝડ બિલ્ડીંગો દ્વારા પોતાના બોર-ટયુબવેલો ચાલુ રાખ્યા વિના વડોદરા કોર્પોરેશન પાસેથી વધુ પાણીની માગણી કરાશે તો કોર્પોરેશન દ્વારા સ્થળ પર જઈને ચેકિંગ હાથ ધરવામાં આવશે.
શહેરના ચારેય ઝોનમાં હાઈરાઈઝડ બિલ્ડિંગો ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમ મુજબ પાણીના જોડાણો આપવામાં આવે છે. આ ઉપરાંત કોર્પોરેશન હાઈરાઈઝડ બિલ્ડિંગોને પોતાના બોર અને ટયુબવેલ પણ ચાલુ રાખવા કહે છે, જેથી તેઓની પાણીની જરૂરિયાત સંતોષાઈ શકે. જ્યારે હાઈરાઈઝડ બિલ્ડિંગોને મંજૂરી અપાય છે, ત્યારે કોર્પોરેશનના પાણીના જોડાણોની સાથે સાથે પોતાના બોર અને ટયુબવેલ ચાલુ રાખવાની શરત મૂકાય છે. શરૂઆતમાં બિલ્ડર હોય ત્યાં સુધી બોર-ટયુબવેલ ચાલુ રાખવામાં આવે છે, ત્યારબાદ બિલ્ડર જતા રહેતા બોર-ટયુબવેલ બંધ કરી દે છે, કેમ કે આવી બિલ્ડિંગોમાં બોર-ટયુબવેલ ચાલુ રાખવા લાઈટ બિલ ભરવાના પ્રશ્નો ઊભા થાય છે. આવું ન થાય તે માટે બોર ટયુબવેલ ચાલુ રાખતા નથી અને કોર્પોરેશનમાં પાણી ઓછું મળે છે, તેવી ફરિયાદો કરે છે.
વડોદરા કોર્પોરેશને નિયમ મુજબ જોડાણ આપેલા હોય છે અને તેનાથી વધુ માગે તેટલું પાણી આપી શકે નહીં. જેથી કોર્પોરેશને હાઈરાઈઝડ બિલ્ડિંગો, એપાર્ટમેન્ટસના પ્રમુખ, મંત્રીઓ અને વહીવટદારોને પોતાના બોર અને ટયુબવેલ ચાલુ રાખવાની સૂચના આપી છે, જેથી તેઓ પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવી શકે. હવે જો કોઈ આવા એપાર્ટમેન્ટસ કે બિલ્ડિંગો દ્વારા વધુ પાણી મેળવવાની માગણી કરશે તો કોર્પોરેશન દ્વારા ત્યાં સ્થળ પર જઈને બોર - ટયુબવેલ ચાલુ છે કે નહીં તેવું ચેકિંગ કરવામાં આવશે.