કરજણના સનાપુરા ગામે કપાસ ભરેલા આઇસર ટ્રકમાં અચાનક આગ લાગી, ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ

ખેડૂતનો તૈયાર માલ આગમાં બળીને ખાખ થતાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો

MailVadodara.com - Icer-truck-loaded-with-cotton-suddenly-catches-fire-at-Sanapura-village-in-Karajan-driver-and-cleaner-rescued

- આગના બનાવમાં કપાસ અને આઇસર ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી

વડોદરાના કરજણના સનાપુરા ગામ પાસે ગતરોજ કપાસ ભરેલા આઇસર ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેની જાણ થતાં આઇસર ચાલાક અને ક્લીનર તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના બનાવમાં કપાસ અને આઇસર ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. ખેડૂતનો તૈયાર માલ આગમાં બળીને ખાખ થતા મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.


વડોદરા જિલ્લાના કરજણ પાસે આવેલ નારેશ્વરથી પાલેજ તરફ જતા વચ્ચે સનાપુરા ગામના પાટિયા પાસે આ આગનો બનાવ સામે આવ્યો હતો. કપાસ ભરીને જતા આઇસર ટ્રકમાં અચાનક આગ ભભૂકતાની સાથે સમયસૂચકતા દાખવી ચાલાક અને ક્લીનર ટ્રક છોડીને દૂર નાસિજતા આબાદ બચાવ થયો હતો. દરમિયાન ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ, કપાસથી ટ્રક ભરેલ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કપાસ અને ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.


કરજણ ફાયર વિભાગના ફાયર ફાઈટરોએ આઇસર ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. આ વાહનમાં કપાસ હોવાથી તે ઝડપી આગ પકડી લેતા લગભગ 30 મિનિટથી વધુ સમય બાદ આગ કાબુમાં આવી હતી. જો કે, ખેડૂતનો જે કઈ કપાસ હતો, તે સંપૂર્ણ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ આગના બનાવને લઇ ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.


ઉનાળાની શરૂઆત છે, ત્યારે હાલમાં આગના બનાવો સામે આવી રહ્યા છે. પરંતુ જેમ જેમ અકારો ઉનાળો થશે તેમ ફાયરના કોલમાં સતત અઘરો જોવા મળશે. ત્યારે કોઈ પણ સામાન્ય બેદરકારી મોટું રૂપ ધારણ કરે તે પૂર્વે લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે.

Share :

Leave a Comments