- આવકવેરા વિભાગની ટીમો દ્વારા કંપનીમાં થતું કેમિકલ ઉત્પાદન અને વેચાણ સહિતની માહિતી મેળવી તપાસ શરૂ કરી
- પોલીસે ઓફિસના મુખ્ય ગેટ પણ બંધ કરી દેતા કર્મચારીઓને દરોડાની કામગીરી દરમિયાન ઓફિસ બહાર કલાકો સુધી બેસી રહેવું પડ્યું
વડોદરામાં આજે વહેલી સવારથી બે કેમિકલ કંપની, ઓફિસો અને ડાયરેક્ટરોના નિવાસ સ્થાન સહિત 7 જેટલા સ્થળે આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક સાથે 7 જેટલા સ્થળોએ દરોડાની કામગીરી આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા કરચોરી કરનાર ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળેલી માહિતી પ્રમાણે આવકવેરા વિભાગ દ્વારા શહેરના ગોરવા, ગોત્રી હરીનગર પાણીની ટાંકી પાસે આવેલી કેમિકલ કંપનીની ઓફિસો, ગોરવા બીઆઇડીસી, પાનોલી જીઆઇડીસીમાં તેમજ નંદેશરી ખાતે આવેલા કેમિકલ ઉત્પાદન એકમો ઉપરાંત કંપનીઓના ડાયરેક્ટરોના નિવાસ સ્થાનો સહિત 7 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગે સામુહિક દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે, આ બે કંપનીઓ પ્રકાશ અને કચ્છ કેમિકલ કંપનીઓ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે, આવકવેરા વિભાગ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી.
આવકવેરા વિભાગે આજે વહેલી સવારથી સ્થાનિક પોલીસ તંત્રની મદદ લઈને દરોડાની કામગીરી હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા કેટલાંક વાંધાજનક દસ્તાવેજો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ઉપરાંત બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરી છે. આ સાથે આવકવેરા વિભાગની ટીમો દ્વારા કંપનીમાં થતું કેમિકલ ઉત્પાદન અને વેચાણ સહિતની માહિતી મેળવી તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ આવકવેરા વિભાગ દ્વારા આવક-જાવકના કોમ્પ્યુટરના ડેટા પણ કબ્જે કરવા સાથે બેંક લોકર સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સાથે ડાયરેક્ટરોના નિવાસ સ્થાનો ઉપર હાથ ધરેલી દરોડાની કાર્યવાહીમાં પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત ડાયરેક્ટરોના મકાનોમાં રોકડ અને જવેરાતની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
વડોદરામાં આજે બે કેમિકલ કંપનીઓના ઉત્પાદક સ્થળો, ઓફિસો તેમજ ડાયરેક્ટરોના નિવાસસ્થાન મળી 7 જેટલા સ્થળોએ દરોડાની કામગીરી કરવામાં આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું મળવાની શક્યતાઓ સેવાઇ રહી છે. દરોડાની કામગીરી દરમિયાન ઓફિસના કર્મચારીઓને ઓફિસની બહાર રવાના કરી દીધા હતા. કર્મચારીઓને દરોડાની કામગીરી દરમિયાન ઓફિસ બહાર કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ઓફિસના મુખ્ય ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પરિણામે ઓફિસ કેમ્પસની બહાર કે અંદર પ્રવેશ બંધ થઇ ગયો હતો.