કમળાગ્રસ્ત પત્નીની સારવાર માટે નાણાં ન હોવાથી મોત નીપજ્યું હોવાનું પતિનો બચાવ

આસોજ ગામના બંધ ઘરમાંથી રહસ્યમય મોતને ભેટેલી મહિલાની ડીકંપોઝ લાશ મળી હતી

MailVadodara.com - Husband-defense-that-his-jaundiced-wife-died-due-to-lack-of-money-for-treatment

- પતિએ કહ્યું કે, દેવ દિવાળીએ કમળાગ્રસ્ત પત્નીની તબિયત લથડી હતી, કોઇએ મદદ ન કરતાં પત્નીનુ મોત નિપજ્યું હતું, જેથી ગભરાઇ રૂમ બંધ કરી જતો રહ્યો હતો

શહેર નજીક આવેલા આસોજ ગામમાં એક વર્ષથી ભાડાના મકાનમાં રહેતા એક યુવાન અને યુવતી પતિ-પત્ની તરીકે રહેતા હતા. દરમિયાન પાંચ દિવસ પહેલાં રહસ્યમય મોતને ભેટેલી મહિલાની ડીકંપોઝ થયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ ચકચારી કેસમાં પોલીસ સમક્ષ હાજર થયેલા પતિએ જણાવ્યું છે કે, દેવ દિવાળીનાં દિવસે કમળાગ્રસ્ત પત્નીની તબિયત લથડી ગઇ હતી. સારવાર માટે સાસરીયા અને ભાઈ-બહેન પાસે આર્થિક મદદ માંગી હતી, પરંતુ કોઇએ મદદ ન કરતાં પત્નીનુ મોત નિપજ્યું હતું. પત્ની મોતને ભેટતા ગભરાઇ ગયો હતો, આથી રૂમ બંધ કરી જતો રહ્યો હતો. જરોદ પોલીસે પતિના નિવેદનના આધારે હાલ અકસ્માતે મોત દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા નજીક આવેલા આસોજ ગામમાં રહેતા જનકભાઈ શાંતિભાઇ પટેલની બારોટ ફળિયામાં પોતાની છ રૂમો છે અને ભાડે આપેલી છે. જે પૈકી રૂમ નંબર 1માં છેલ્લા એક વર્ષથી બળવંતસિંહ અભેસિંહ પટેલ તેમજ તેની પત્ની સુમિત્રા (ઉં.વ. 40) સાથે રહેતો હતો. બળવંતસિંહ મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રસુલપૂર ગામના વતની છે.

મોડી સાંજે જનકભાઈ ઉપર તેમના નાનાભાઈ મહેશનો ફોન આવ્યો હતો કે, બારોટ ફળિયામાં તમારી બંધ રૂમમાંથી દુર્ગંધ આવે છે. બાદમાં જનકભાઈ અને તેમનો પુત્ર બંને બારોટ ફળિયામાં જઇને જોતા રૂમ બહારથી બંધ હાલતમાં હતી અને અંદરથી સખત દુર્ગંધ મારતી હતી. રૂમ ખોલીને અંદર જતા સુમિત્રાબેન ધાબળો ઓઢેલી હાલતમાં સુતેલા હતા ધાબળો ખોલીને જોતા તેમની જીભ બહાર નીકળેલી હતી અને શરીર કાળુ પડી ગયું હતું, તેમજ તેઓ મૃત હાલતમાં હતા.

પિતા-પુત્રએ વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા પાંચ -છ દિવસથી રૂમ બંધ હતી. જ્યારે બળવંતસિંહનો ક્યાંય પત્તો ન હતો. આ અંગે જરોદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મહિલાની લાશને પીએમ માટે મોકલી હતી. મહિલાની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન ફરાર પતિ બળવંતસિંહ પટેલ જરોદ પોલીસ મથકમાં હાજર થયો હતો. પત્ની સુમિત્રાનું કમળો થયો હતો અને સમયસર યોગ્ય સારવાર આપી ન શકતા મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે પતિના નિવેદનના આધારે કાર્યવાહી હાથ ઘરી છે.

આ બનાવ અંગે જરોદ પોલીસ મથકના પી.આઇ. જે. એ. બારોટે જણાવ્યું હતું કે, મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં મહિલાનું બિમારીથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણમા બહાર આવી રહ્યું છે. ઉપરાંત તેના પતિએ પણ પત્નીનુ બિમારીના કારણે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મોતને ભેટેલી મહિલા આસોજ પાસે કાથો બનાવતી કંપનીમાં નોકરી કરતી હતી. રહસ્યમય મોતને ભેટેલી સુમિત્રાબેન વર્ષ- 2005માં પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ વર્ષ 2006થી બળવંતસિંહ પટેલ સાથે રહેતી હતી.

Share :

Leave a Comments