- ડભોઇ રોડ પર સાસરીમાં ગયેલી પત્નીને પતિએ તું અહીં આવીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપતા પત્નીની પતિ વિરુદ્ધ કપુરાઈ પોલીસમાં ફરિયાદ
વડોદરા શહેરના ડભોઈ રોડ પર સાસરીમાં રહેતા સંતાનોને મળવા માટે ગયેલી પત્ની સાથે પતિએ ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ પત્ની પર બેટથી હુમલો કરી તું અહીં આવીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી પત્નીએ પતિ વિરુદ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ આડા સંબંધની શંકા કરતો હોવાથી અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા મહિલાએ ફરીયાદ નોંધાવી છે કે, મારા લગ્ન ચિરાગભાઈ ભાનુભાઈ સોલંકી સાથે સમાજના રીતરીવાજ મુજબ લગ્ન થયા હતા. અમારે સંતાનમાં બે બાળકો છે. મારા પતિ મારી સાથે નાની-નાની વાતમાં ઝઘડા કરે છે અને મારી પર ખોટા શક-વહેમ રાખી મને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તેથી આજથી આશરે 15 દિવસ પહેલાં મારી પર આડા સંબંધ બાબતે શક કરતા અમારે ઝધડો થયો હતો. તેથી હું એકલી અટલાદરા ખાતે મારા મામાની દીકરીના ઘરે રહેવા જતી રહી હતી.
31 માર્ચના રોજ સવારના સવારના 10 વાગ્યાની આસપાસ મારી દીકરીનો મારા મામાની દીકરીના મોબાઈલ ફોન પર ફોન આવ્યો હતો અને મને મળવા માટે બોલાવી હતી. જેથી હું બપોરના 3 વાગ્યાની આસપાસ મારી દીકરીને મળવા માટે મારા મૂળ નિવાસસ્થાને ગઈ, ત્યારે મને જાણવા મળેલ કે મારા બંને બાળકો ટ્યુશન ગયેલ હતા ત્યારે મારા પતિ ચિરાગ ભાનુ સોલંકીએ મારી સાથે ઝઘડો કરી મને ગાળો બોલવા લાગ્યા હતા.
ત્યાર બાદ ત્યાં પડેલાં બેટથી મને માર્યો હતો અને મને કહ્યું હતું કે તું અહીં આવીશ તો તને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આજથી 15 દિવસ પહેલા કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં મારા પતિ વિરુધ્ધ અરજી કરી હતી. જેથી પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.