માંજલપુરમાં ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ગાયનું મોત થતાં ભારે હોબાળો

માલધારી સમાજના અગ્રણીઓ લાલબાગ ઢોરવાડા ખાતે પહોંચતા ઘણી ગાયો બીમાર અને ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળી હોવાના આક્ષેપો

MailVadodara.com - Huge-uproar-in-Manjalpur-after-a-cow-died-during-the-cattle-partys-operation-to-catch-stray-cattle

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઇ કાલે ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી દ્વારા ગાય પકડતી વેળાએ ગાયનું મોત નીપજતા ગૌપાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે આજે માલધારી સમાજના કેટલાક અગ્રણીઓ લાલબાગ ઢોરવાડા ખાતે પહોંચ્યા હતા જ્યાં અહીં ઘણી ગાયો બીમાર અને ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી.

શહેરમાં રસ્તે રખડતા ઢોરોના ત્રાસ અને એના કારણે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત કે મોતના મુખમાં ન ધકેલાય તે માટે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે રસ્તે રખડતી ગાયો પકડવામાં આવે છે. ગતરોજ પાલિકાની ઢોર પાર્ટીની ટીમ માંજલપુર પહોંચી હતી. જેમાં એક ગાયને પકડવા જતા તે ગાય ખૂબ જ દોડી હતી અને એ બાદ તેના ગળામાં દોરડું બાંધવા જતા ગાય ખૂબ લોહીલુહાણ અવસ્થામાં ઢળી પડી હતી. જેથી ઢોર પાર્ટીએ ગાયને ત્યાં જ છોડી દીધી હતી. જે બાદ થોડી મિનિટોમાં ગાયનું મોત નિપજ્યું હતું. જેથી ગૌપાલકોમાં ભારે નારાજગી વ્યાપી છે. 

ગઈકાલે બનેલા બનાવના અનુસંધાને આજે માલધારી સમાજના કેટલાક આગેવાનો લાલબાગ ઢોરવાડા ખાતે પહોંચ્યા હતા અને તંત્રએ પકડેલી ગાયને યોગ્ય સારવાર અને સુવિધા અપાતી નથી તેવો આક્ષેપ કર્યો હતો. આ સાથે અહીં અત્યંત ગંદકી સાથે કેટલીક ગાયો ઇજાગ્રસ્ત અને બીમાર જોવા મળી હતી. પકડેલી ગાયોને યોગ્ય સારવાર અને સુવિધા મળે તેવી તેઓએ માંગ કરી છે.

Share :

Leave a Comments