- આખા કોર્પોરેશનમાં મારા અને તારા સાચવવાની હોડ લાગી છે..!
- કૌભાંડો સામે આંખ આડા કાન કરવાની નેતાઓની સ્વાર્થી વૃતિએ શહેરીજનો માટે જોખમ જ ઉભું કર્યું છે..!!
વડોદરા શહેરમાં આજે બનેલી ગોઝારી હોડી દુર્ઘટનાએ ફરી એકવાર મહાનગર પાલિકાના શાસકો અને અધિકારીઓના નિષ્ફ્ળ વહીવટનો પર્દાફાશ કર્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે નિર્દોષ ભૂલકાઓને ભોગ કોણે લીધો ? તંત્રની બેદરકારીએ કે માનવ સર્જિત ભૂલે ?
જે સામાન્ય નાગરિક ને દેખાય છે એ સત્તા ભૂખ્યા શાસકોને એરકન્ડિશન કારના કાચમાંથી દેખાતું નથી ?
પથ્થર દિલ કાળજાને કંપાવી દે એવી વડોદરાના હરણી સ્થિત મોટનાથ તળાવની હોડી દુર્ઘટનાએ દરેક વડોદરાવાસીને સ્તબ્ધ કરી દીધા છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી શાળાના ભૂલકાઓ કિલ્લોલ કરતા આજે શાળા તરફથી મોટનાથ તળાવમાં બોટિંગની મઝા લેવા ગયા હતા. નિર્દોષ ભૂલકાઓને ક્યાં ખબર હતી કે પાલિકાના અંધેર વહીવટનો ભોગ એમનો જીવ લેશે ? એમણે ક્યાં ખબર હતી વિકાસના સપના એમના માટે સદાય સપના રહી જશે. એ ભૂલકાઓના માતા-પિતાને ક્યાં ખબર હતી કે જેમના ભરોસે એ બાળકોને મોકલે છે એ ભરોશો પરભળ તૂટી જશે.. ખેર, આ એ વહીવટ છે જેણે 1993 માં સર્જાયેલી હોડી દુર્ઘટનાથી બોધપાઠ ના લીધો.. આ એ શાસકો છે જે પોતે સુરસાગરમા નૌકા વિહાર શરૂ કરતા સમયે હોડી ઉંધી વળી જતાં માંડ માંડ બચ્યા હતા.. પોતાને કુશળ શાસકો કહેતા શાસકોને આજે શરમ આવશે ? જો થોડી ઘણી પણ માણસાઈ હોય તો શાસકોએ તપાસ-તપાસના નાટક કર્યા સિવાય નૈતિકતાના ધોરણે દુર્ઘટનાની જવાબદારી સ્વીકારવી જોઈએ.... અહીં મેઇલ વડોદરાના સવાલ એ છે કે હોડી દુર્ઘટના માટે જવાબદાર કોણ ? કોન્ટ્રાકટનું સુપરવિઝન કોણ કરતું હતું ? શું પાલિકાના અધિકારીઓને આ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવશે કે પછી કોન્ટ્રાકટર ને દોષિત ઠેરવી ભીનું સંકેલાઈ જશે ? નૌકા વિહારના કોન્ટ્રાકટમાં હોડી નું ફિટનેશ સર્ટિફિકેટ કોણે આપ્યું હતું ? નાવડીમાં નિર્ધારિત કરતા વધુ બાળકો બેસાડવામાં કેમ આવ્યા ?
નિર્દોષ ભૂલકાઓના મોત માટે જવાબદારો સામે પગલાં લેવાશે ત્યારે જ સાચો ન્યાય મળ્યો કહેવાશે. બાકી આપણે ત્યાં કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે તપાસ-તપાસના નામે ભીનું સંકેલવામાં આવે છે. આ બનાવમાં
ઊંડાણ પૂર્વક તપાસ થવી જ જોઈએ...
નમાલા શાસકો આ છે તમારી ૨૮ વર્ષની સત્તામાં થયેલા કારનામાં....!!
1. સ્વીપર મશીનથી સફાઈ થતી નથી અને મેન્ટેનન્સના કરોડો ચૂકવાય છે..!
2. નવાયાર્ડ અને છાણીમાં અધૂરા આવસો છોડી ગયેલા કોન્ટ્રાકટરને રૂ.૧૪ કરોડ આપી દીધા..!
3. બે વર્ષ સુંધી પાણી લાઈન નહીં નાખનાર કોન્ટ્રાકટર સોરઠીયાને ૩૫ નોટિસો આપી બ્લેક લિસ્ટ કરવાને બદલે છેવટે ઘૂંટણીયે પડી ફરી એને જ કામ આપ્યું..!
૪. આજવા રોડ પર સાયકલ ટ્રેકના નામે પ્રજાના રૂપિયા ૫૩ લાખ ફૂંકી માર્યા...!
૫. કારેલીબાગમાં દુનિયાની દશમી અજાયબી જેવી રોડ થી પાંચ ફૂટ ઉંચી વરસાદી કાંસ બનાવી..!!
૬.જંગલ મેં મંગલ જેવા ઓવરબ્રિજ પાછળ કરોડોનું આંધણ કર્યું.. આ બ્રિજનો એપ્રોચ રોડ ઉદ્ધઘાટન પહેલા તૂટી ગયો હતો...!!
૭.માધવનગર ના આવસો તૂટી પડતાં ૧૧ ગરીબ લોકોના મોત નીપજ્યા હતા..
આવા અનેક કારનામા શાસકોની નફ્ફટાઈ અને નિષ્ફ્ળતાની ચાડી ખાય છે..!!