- નરેન્દ્ર મોદીને આદર્શ માનવાને બદલે પોતાને નરેન્દ્ર મોદીથી ઓછા નહીં આંકતા નેતાઓની સંખ્યા ઓછી નથી.. અને આવા નેતાઓ પક્ષની ઘોર ખોદી રહ્યા છે..!!
- કમળના ચિન્હ સિવાય ચૂંટણી લઢે તો એક પણ નેતાની પાંચ હજાર મત લાવવાની ત્રેવડ છે..??
- નજીવા પગારમાં સેવા આપતાં પગારદાર કાઉન્સિલર પાંચ વર્ષમાં વૈભવી કાર અને બંગલો કેવી રીતે બનાવે છે..??
વડોદરા શહેર ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી જુથબંધીના ગ્રહણે પાયાના કાર્યકરોને મુંઝવણમાં મુકી દીધા છે. ટૂંક સમય પહેલા શહેર ભાજપમાં થયેલી ભાંજગડે અનેક સવાલો ઉભા કર્યા છે. વડોદરા શહેર ભાજપનો ગઢ ભલે હોય, પરંતુ નેતાઓની વર્ચસ્વની જીદ ભાજપને જૂથબંધીને ભેટ ચઢાવી રહી છે. કોઈ પણ નેતા મહત્વાકાંક્ષી હોય એ સ્વાભાવિક છે પરંતુ અતિ મહાત્વાકાંક્ષી હોવું એ પોતાના અને પક્ષના અસ્તિત્વ માટે જોખમ ઉભું કરે છે. વડોદરાના રાજકારણમાં પોતાને નરેન્દ્ર મોદીથી ઓછા નહીં આંકતા નેતાઓની સંખ્યા ઓછી નથી. આવા મુઠ્ઠીભર નેતાઓ પક્ષની ઘોર ખોદી રહ્યા છે. પક્ષ તરફથી કોઈ જવાબદારી મળે એટલે એને સત્તા સમજી તુરંત જ ભ્રષ્ટાચાર કરવાની સાથે પોતાના સોગઠા ગોઠવવાવની આવડત નેતાઓમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. આવા નેતાઓ પાલિકાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લઢે તો ૫૦૦૦ મત લાવવાની તેમની ત્રેવડ નથી. લાયકાત વગરના નેતાઓ નિર્ણાયક પદ પર પહોંચી પાયાના કાર્યકરોની પક્ષ પ્રત્યેની વફાદારીને અહંકારથી કચડી નાખે છે.
વડોદરા શહેર ભાજપનો ઇતિહાસ જોઈએ તો છેલ્લા વીસ વર્ષમાં એક પણ એવો નેતા વડોદરામા પાક્યો નથી કે જે જનતાના દિલમાં રાજ કરે... વડોદરામાં આજે પણ નરેન્દ્ર મોદી જ જનતાના દિલમાં રાજ કરે છે એમાં બે મત નથી..તો શું ભાજપમાં સંગઠન કે સક્રિય રાજકારણમાં સત્તા પર આવતા નેતાઓની પસંદગીમાં ખામી છે ? ના એવુ પણ નથી, હોદ્દો કે સતા મળતા સુધી ડાહ્યા ડમરા લાગતા નેતાઓ સત્તા પચાવી શકતા નથી. અંગત સ્વાર્થ અને અહંકારને પોષવા રાજકારણના કીચડમાં છબછબીયા કરતા નેતા પક્ષની વિચારધારાનું પોટલું બાંધી અભરાઈએ ચઢાવી દે છે. તેમના મળતીયા અને ચાપલુસી કરતા માણસો ગોઠવવા કોન્ટ્રાક્ટની લ્હાણી કરવી અને કાર્યકર ના હોય તો તાત્કાલિક કાર્યકર બનાવી હોદ્દા આપી દેવામાં આવે છે. વડોદરા શહેરમાં શું પક્ષને વફાદારીથી વળગી રહે એવા નેતા નથી ? ના એવુ પણ નથી. શહેર ભાજપમાં પ્રામાણિક અને કાર્યક્ષમ નેતાઓની સઁખ્યા ઘણી મોટી છે. જો કે પક્ષને જુથબંધીની ગર્તામાં ધકેલી ચૂકેલા નેતાઓ તેમની ઉપેક્ષા કરે એ સ્વાભાવિક છે. કારણ કે આવા પ્રામાણિક નેતાઓ પક્ષને વફાદાર હોય છે, નહીં કે નેતાને...વડોદરા શહેર વિકાસમાં અમદાવાદ, સુરત અને રાજકોટ કરતા પાછળ છે. હા,વડોદરામાં જેને સત્તા કે હોદ્દો મળ્યો હોય એવા મોટા ભાગના નેતાઓનો વિકાસ ચારેય દિશામાં થયો છે. રૂ. ૧૨ હજારનો પગારદાર કાઉન્સિલરની સંપત્તિ પાચ વર્ષમાં સાત પેઢી ચાલે એટલી વધી જાય છે. વડોદરાનો અવાજ વિધાનસભા કે લોકસભામાં ખોખારીને કદી ગુંજ્યો હોય એવુ સાંભળ્યું નથી. છેલ્લા વીસ વર્ષમાં પક્ષે જેને જવાબદારી સોંપી એમણે પોતાનો વિકાસ કરવામાં કોઈ કસર છોડી નથી.
ટૂંકમાં વડોદરા શહેરમાં ભાજપની શાખ ક્યાં સુધી સલામત રહેશે.? એક પણ નેતાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી નથી. ટાટિયા ખેંચ વૃત્તિ અને સ્વાર્થ ના સપના મોટા ભાગના નેતાઓ ની ગળથૂંથીમાં ઘર કરી ગયા છે, ત્યારે વડોદરા ને એક એવા નેતાની જરૂર છે જે સૌને સાથે લઈને ચાલે અને પ્રજામાં તેની આગવી ઓળખ ઉભી કરે..
જો આમ નહીં થાય તો ભાજપનું કોંગ્રેસી કરણ થશે અને પ્રજાનો વિશ્વાસ ઉઠી જશે એવુ જાણકારોનું માનવું છે...!!