શહેરના ગોલ્ડન ચોકડી પાસે આવેલા ન્યુ ભેરૂનાથ રાજસ્થાની ઢાબા નામની હોટલમાં બાળ મજૂરી કરાવતા બાળકને હોટલ માલિક પાસેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવ્યો છે અને હોટલ માલિક સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. જ્યારે બાળકને મુક્ત કરાવી તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે, વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે ગોલ્ડન બ્રીજના છેડા પાસે સર્વીસ રોડ ઉપર આવેલ ન્યુ ભેરૂનાથ રાજસ્થાની ઢાબા વાળો નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનશીક શોષણ કરે છે. તેવી હકીકતના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે કરતાં ન્યુ ભેરૂનાથ રાજસ્થાની હોટલ પરથી એક ૧૨ વર્ષીય સગીર છોકરો મળી આવ્યો હતો. આ બાળકની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, તે પોતે ઉપરોક્ત જણાવેલ હોટલમાં છેલ્લા એક મહીનાથી કામ કરું છું અને મને માસીક રૂપિયા ૫૦૦૦ રોકડા પગાર આપે છે.
જેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ન્યુ ભેરુનાથ રાજસ્થાની ઢાબા નામની હોટલમાં ગોંધી રાખીને બાળ મજૂરી કરતા બાળકને હોટલ માલિક પાસેથી મુક્ત કરાવ્યો હતો અને હોટલ માલિક ગોપાલસિંહ લક્ષ્મણસિંહ રાવત (રહે. ગામ શંકરપુરા, લાદુવાસ, તા. કરેડા, જિ.ભીલવાડા, રાજસ્થાન, હાલ રહે. ન્યુ ભેરુનાથ રાજસ્થાની ઢાબા, ગોલ્ડન ચોકડી પાસે, વડોદરા) સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.