- વડોદરા શહેરમાં દિવસ દરમિયાન તાપમાન 28 થી 30 ડિગ્રી રહે છે, તો સાંજે અને રાત્રીના સમયે આ તાપમાન 13 થી 15 ડિગ્રી સુધી પહોંચી જાય છે
સમગ્ર રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ છે. શિયાળાની શરૂઆત થતા જ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને સાંજે અને રાત્રી દરમિયાન ઠંડી અને બપોર ના સમયમાં ગરમીનો અહેસાસ થતો હોવાથી શરદી, ખાંસીના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં દિવસ દરમિયાન તાપમાન 28 થી 30 ડિગ્રી રહે છે, તો સાંજે અને રાત્રીના સમયે આ તાપમાન 13 થી 15 ડિગ્રી સુધી પહોંચી જાય છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થાય છે અને ઠંડી અને ગરમીના કારણે લોકોમાં બીમારી જોવા મળી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં વિવિધ જગ્યાઓ પર આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગતરોજ 226 ટીમ દ્વારા કુલ 334 વિસ્તારોની મુલાકાત લઈ 30,405 ઘરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 12069 મકાનોમાં ફોકિંગ કરવામાં આવી છે 46,007 જેટલા લોકોની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. આ સાથે જ 31 કન્સ્ટ્રક્શન સાઇટની ચકાસણી કરવામાં આવી છે, આજ દિન સુધીમાં કુલ 381 જેટલી કન્સ્ટ્રકશન સાઈડમાં નોટિસ આપવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કુલ 3,877 રોગ અટકાવ અંગેની પત્રિકાની પણ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના બુલેટિનમાં ગતરોજ કુલ 28 સેમ્પલ ડેન્ગ્યુના લેવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં શહેરના આદર્શ નગર, ગોરવા અને ગોત્રી વિસ્તારમાં આ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે.
આ અંગે સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણએ જણાવ્યું હતું કે, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને બેવડી ઋતુ પણ અનુભવાય છે. બપોરે ગરમીનો અહેસાસ થાય છે અને સાંજે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. તો આ દરમિયાન શ્વસનતંત્રને લગતા રોગો તેમજ વાઇરલ રોગોનો વધારો આંશિક જોવા જ મળતો જ હોય છે. આ ઉપરાંત હાલમાં અમારી SSG હોસ્પિટલમાં ઓપીડીમાં દૈનિક 2000ની નોંધાઈ રહી છે.
વધુમા જણાવ્યુ કે, આ દરમ્યાન હાલમાં શરદી, ખાંસીના કેસો, શ્વાસના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. આ સમય દરમ્યાનમાં હું એટલું કહેવા માંગીશ કે પબ્લિકને ભીડમાં જવાનું ટાળે અને જો જાય તો માસ્ક પહેરે તે ઉપરાંત ધૂળ, ઠંડી હવામાં નીકળવું હોય તો એના માટે પૂરતું રક્ષણ લઈને નીકળે, ગરમ કપડાનો ઉપયોગ વધારે કરવો જોઇએ આ બધી કાળજી રાખવી જોઈએ. આ સાથે શિયાળાની ઋતુમાં પૌષ્ટિક આહાર લે તો આ આપણે ચોક્કસ શરદી, ખાંસી જેવા રોગો, શ્વસન તંત્ર ના રોગોને કાબુમાં લઈ શકીશું. આ દરમ્યાન ઠંડાપીણા જેવા પદાર્થોથી પબ્લિક દૂર રહેવું જોઇએ તેવુ મારું માનવું છે.
આ સાથે જ શહેરના કારેલીબાગ ખાતે આવેલ ચેપીરોગ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર પ્રિતેશ શાહે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તે જ પ્રકારની ઓપીડી ચાલી રહી છે. કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલમાં 50ની ક્ષમતા સામે હાલમાં 30 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં શરદી, ખાંસી જેવી બાબત સામન્ય છે, પરંતુ આ સમય દરમિયાન લોકોએ ખાસ સાવચેતી લેવાની જરૂર છે.