વડોદરાના દુમાડ ગામે હોમ લોનના ચાર હપ્તા ચઢી જતાં મકાન માલિકે ફાંસો ખાઇ આપઘાત કર્યો

પાંચ વર્ષ પહેલાં યુવકે પ્રાઇવેટ ફાઇનાન્સ કપનીમાંથી 11 લાખની લોન હતી

MailVadodara.com - Homeowner-commits-suicide-by-hanging-himself-after-defaulting-on-four-home-loan-installments-in-Dumad-village-of-Vadodara

- જરૂરીયાત મુજબની આવક બંધ થઇ જતાં યુવક નાસીપાસ થઇ ગયો હતો


શહેર નજીક આવેલા દુમાડ ગામમાં કમરતોડ મોંઘવારી અને હોમ લોનના EMI ભરી ન શકનાર મકાન માલિકે જે ઘર માટે લોન લીધી હતી તે જ ઘરમાં મોતનો માંચડો તૈયાર કરી આપઘાત કરી લીધો હતો. દુમાડ ગામમાં બનેલા આ બનાવને પગલે ચકચાર મચી ગઇ હતી. મંજુસર પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે શહેર નજીક આવેલા દુમાડ ગામના ચિરાગસિંહ મોહનસિંહ છાસટીયા (ઉં.વ.38) ગામ પાસે બનેલી સી-201, નિલકંઠ રેસિડેન્સીમાં વૃધ્ધ માતા-પિતા, પત્ની અને દીકરી સાથે છેલ્લા બે વર્ષથી રહેતા હતા. મંજુસર જી.આઇ.ડી.સી.માં ગેસ સિલીન્ડર ટ્રકોમાંથી ખાલી કરવાની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ચિરાગસિંહ છાસટીયાએ પાંચ વર્ષ પહેલાં ગામ પાસે નવી બની રહેલી નિલકંઠ રેસિડેન્સીમાં 1 BHK (બે રૂમ રસોડું) મકાન રૂપિયા 12 લાખમાં લીધું હતું. આ મકાન ખરીદવા માટે તેઓએ પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા 11 લાખની હોમ લોન લીધી હતી. તેઓને સરકારની યોજના મુજબ મકાન પેટે સબસિડી પણ મળી હતી. જે તે સમયે મજૂરી કામ સારું ચાલતું હોવાથી, તેઓ લોનનો માસિક હપ્તો રૂપિયા 8,918 નિયમીત ભરતા હતા.

જોકે, છેલ્લા કેટલાંક સમયથી ચિરાગસિંહ છાસટીયાને માસિક ખર્ચ પૂરો કરી શકાય તેટલી આવક આવતી ન હોવાથી વૃધ્ધ માતા-પિતા, દીકરીનો અભ્યાસનો ખર્ચ અને કમરતોડ મોંઘવારીમાં ઘરનું ગુજરાન ઉપરાંત હોમ લોનના હપ્તા ચૂકવવા માટે મુશ્કેલ થઇ ગયું હતું. જરૂરીયાત મુજબની આવક આવતી બંધ થઇ જતાં હોમ લોનના ચાર જેટલા હપ્તા ભરી શક્યા ન હતા. આથી તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા.


ફાઇનાન્સ કંપની દ્વારા ચિરાગસિંહને બાકી EMI ભરી દેવા માટે ફોન પણ કરતા હતા. પરંતુ, તેઓ કોઇને કોઇ કારણ આપીને સમય પસાર કરી દેતા હતા. જોકે, તેઓને ડર હતો કે, હપ્તા વધી જશે તો બેંક મકાનને સીલ મારી દેશે. જેના કારણે તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને 16 જુલાઇની રાત્રે તેઓએ આપઘાત કરી લીધો હતો.

હોમ લોનના હપ્તા ન ભરી શકતા આપઘાત કરી લેનાર ચિરાગસિંહની પત્ની મનિષાબેને જણાવ્યું હતું કે, તા.16 મીની રાત્રે સામાન્ય દિવસોની જેમ વાતો કરીને પતિ સૂવા જાવ છું, તેમ જણાવી રૂમમાં ગયા હતા. રૂમમાં જઇ સાડીથી ફાંસો ખાઇ લીધો હતો. થોડા સમય બાદ રૂમમાં જતાં પતિને ફાંસો ખાધેલી હાલતમાં જોતા હું ચોંકી ઉઠી હતી. દરમિયાન આ બનાવ અંગે મંજુસર પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી.

ઘરના મોભી ચિરાગસિંહે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. ચિરાગસિંહ એક માત્ર ઘરમાં કમાનાર હતા. અરેરાટીભર્યા આ બનાવ અંગે મંજુસર પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મંજુસર પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ કરી રહ્યા છે.

Share :

Leave a Comments