- પદવીદાન સમારંભમાં રાજવી પરિવારને ત્રીજી લાઇનમાં બેસાડ્યો હતો આ ઉપરાંત ગોલ્ડ મેડલ મળવાનો હતો તેવા અનેક વિદ્યાર્થીઓને બહાર રહેવું પડ્યું હતું
- રજીસ્ટ્રાર સહિત સેનેટ સભ્યોએ ઉભા થઇ માફી માંગી
એમ.એસ.યુનિવર્સિટીમાં તાજેતરમાં યોજાયેલા `વી આર પ્રાઉડ ઓફ યુ' કાર્યક્રમ અને એ પછી પદવીદાન સમારોહમાં રાજવી પરિવાર અને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ સાથે થયેલા ખરાબ વર્તનનો પડઘો આજે સેનેટની વાર્ષિક બેઠકમાં પડયો હતો. શહેરની એમ. એસ. યુનિવર્સિટીની નિર્માણથી લઇને વિકાસ કાર્યોમાં જેમનું અમૂલ્ય યોગદાન છે, એવા વડોદરાના રાજવી પરિવારને તાજેતરમાં યોજાયેલ પદવીદાન સમારંભમાં ત્રીજી લાઇનમાં સ્થાન આપવા બદલ તેમજ કાર્યક્રમમાં અવ્યવસ્થા બદલ આખી સેનેટે ઉભા થઇને માફી માંગી હતી. આ ઉપરાંત તમામ સેનેટ સભ્યોએ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓની માફી માંગી હતી અને તેને લગતો એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી સેનેટની બેઠકમાં અગાઉ ક્યારે પણ તમામ સેનેટ સભ્યોએ રાજવી પરિવાર અને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓની માફી માંગી હોય તેવું બન્યું નથી. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની તેના ઉચ્ચ શિક્ષણને લઇને દેશ-વિદેશમાં પોતાનું સ્થાન ધરાવે છે. આ યુનિવર્સિટી મહારાજા સર સયાજીરાવની દેન છે અને રાજવી પરિવારના શુભાંગિની દેવી ગાયકવાડ એમ. એસ. યુનિવર્સિટીના ચાન્સેલર છે. ત્યારે ગત 18 માર્ચના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં રાજવી પરિવારના સમરજીતસિંહ ગાયકવાડને ત્રીજી લાઇનમાં બેસાડવામાં આવ્યા હતા.
આ મુદ્દો આજે એમ. એસ. યુનિવર્સિટીની વાર્ષિક સેનેટમાં ચર્ચાયો હતો. જેમાં તમામે આ અવ્યવસ્થા બદલ રાજવી પરિવારની માફી માંગી હતી. એમ. એસ. યુનિવર્સિટીના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ વખત છે, જ્યારે આ રીતે રાજવી પરિવારની માફી માંગવામાં આવી હોય.
આજે સેનેટની બેઠક શરૂ થઈ ત્યારે ડોનર્સ કેટેગરીના સેનેટ અને સિન્ડિકેટ સભ્યે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વિદ્યાર્થીઓ તો યુનિવર્સિટીનું ગૌરવ અને આત્મા છે. ઢંગધડા વગરનો વી આર પ્રાઉડ ઓફ યુ કાર્યક્રમ યોજીને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન નહીં બલ્કે તેમનું અપમાન કરવામાં આવ્યુ હતુ. એ પછી પદવીદાન સમારોહમાં પણ તેમનુ સન્માન આપણે જાળવી શક્યા નહોતા. આ આપણી જવાબદારી હતી અને આપણે તે બદલ માફી માંગવી જોઈએ.
આ પ્રસ્તાવ સાથે સેનેટ હોલમાં બેઠેલા તમામ સેનેટ સભ્યોએ સંમતિ દર્શાવી હતી. તમામ સેનેટ સભ્યોએ ઉભા થઈને વિદ્યાર્થીઓની માફી માંગી હતી અને સાથે સાથે ઠરાવ કરવામાં આવ્યો હતો કે, આયોજનમાં જે પણ ભૂલો થઈ છે તે બદલ યુનિવર્સિટી દિલગીરી વ્યકત કરે છે અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ના થાય તેનુ ધ્યાન રાખવામાં આવશે.
આ અંગે એમ.એસ.યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, સર સયાજીનગરગૃહમાં યોજાયેલ પદવીદાન સમારંભમાં ગેરવ્યવસ્થા સર્જાઇ હતી. ગોલ્ડ મેડલ મળવાનો હતો તેવા અનેક વિદ્યાર્થીઓને બહાર રહેવું પડ્યું હતું. ત્યાં સુધી કે રાજવી પરિવારના સભ્ય સમરજીસિંહ ગાયકવાડને ત્રીજી લાઇનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ મુદ્દો મેં તે દિવસે સ્થળ પર ઉઠાવ્યો હતો અને સેનેટ સભ્યો માટેનો પ્રોટોકોલ પણ ન્હોતો જળવાયો તેવો અવાજ ઉઠાવતા ત્યાંથી પોલીસ દ્વારા મારી અટકાયત કરી લેવાઇ હતી. પરંતુ આજે રજીસ્ટ્રાર અને યુનિવર્સિટીના સેનેટ સભ્યોએ સેનેટની બેઠકમાં આ મુદ્દે ઐતિહાસિક રીતે માફી માંગી છે. જે દર્શાવે છે કે યુનિવર્સિટીમાં કેવું તંત્ર ચાલી રહ્યું છે.