ઐતિહાસિક માંડવીની ઇમારતમાં તિરાડો પડ્યા બાદ પિલ્લરોના પોપડા ખર્યા, સિનિયર સિટીઝનોમાં રોષ

હેરિટેજ ઇમારતોની માત્ર વાતો, ઇમારતોની મરામત કરવામાં તંત્ર ધરાર નિષ્ફળ ગયું

MailVadodara.com - Historic-Mandvi-building-cracks-pillars-fall-off-anger-among-senior-citizens

- વડોદરા જેના નામે ઓળખાય છે તે ઐતિહાસિક વારસો જાળવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ

- આવનાર સમયમાં ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતો વધુ નુકસાન થવાની દેહશત

હેરિટેજ ઇમારતોની જાળવણીની વાતો વચ્ચે શહેરના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારની માંડવીની ઇમારતમાં તિરાડો પડ્યા બાદ હવે પાયાના પોપડા ખરવાનું શરૂ થયું છે. પીલરોમાં તિરાડો પડવાની શરૂઆત થયા બાદ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતાં હવે પોપડા ખરવાની શરૂઆત થઇ ગઇ છે. તંત્રના પાપે આવનાર સમયમાં ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતો વધુ નુકસાન થવાની દેહશત સિનિયર સિટીઝન વ્યક્ત કરી રહ્યા છે.


વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા પૈકી માંડવીની ઈમારતના પાયાના પોપડા ખરી પડ્યા છે. આ પીલરોમાં તિરાડો પડી છે. તેમ છતાં આજ દિન સુધી આ મામલે શહેરના શાસકોએ ધ્યાન આપ્યું નથી. જેના પાપે આજે શહેરની આવી ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતોની જર્જરિત હાલત થઈ ચૂકી છે. ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારના સિનિયર સિટીઝનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. શ્રીમંત મહારાજા સરસયાજીરાવ ગાયકવાડની નગરીની તે સમયની આ ઇમારતોની જાળવણી કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યયું છે. જે દુઃખની બાબત ગણાવી છે.


કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર મિનલબેન ગોહિલે જણાવ્યું હતું કે, હું જ્યારે કાઉન્સિલર હતી ત્યારે ઐતિહાસિક માંડવી સહિત અન્ય ઇમારતોની મરામત કરવા માટે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી. પરિણામ સ્વરૂપ રીપેરીંગની કામગીરી પણ કરવામાં આવી હતી પરંતુ, કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી. જેના કારણે પીલ્લરના પોપડા ખરવાની શરૂઆત થઇ ગઇ છે. હેરિટેજ ઇમારતોની જાળવણીના નામે કરોડો રૂપિયા આવે છે પરંતુ, ઇમારતોની જાળવણી થતી નથી. માંડવી ઇમારત અંગે તંત્ર હજુ પણ નહીં જાગે તો ઇમારત જમીનદોસ્ત થઇ જવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ચાર દરવાજા વિસ્તારના સામાજિક કાર્યકર કિર્તીભાઇ પરીખે જણાવ્યું હતું કે, માંડવી ઇમારતોની મરામત કરવામાં તંત્ર ધરાર નિષ્ફળ ગયું. પરિણામે હવે માંડવી પીલ્લરના પોપડા ખરવાની શરૂઆત થઇ ગઇ છે. સર સયાજીરાવ ગાયકવાડની નગરીની તે સમયની આ ઇમારતોની જાળવણી કરવામાં સત્તાવાળાઓ ધરાર નિષ્ફળ નીવડ્યા છે. જે દુઃખની બાબત છે.

વધુમાં જણાવ્યું હતું કે, શહેરની મધ્યમાં આવેલા માંડવીના પાયાના પિલરના કાંગરા ખરી રહ્યા છે. કોર્ટમાં આ અંગે ઝડપી નિર્ણય ન લેવાતાં ખંડેર થઇ રહ્યુ છે. પદ્માવતી શોપિંગ સેન્ટર ખસેડવાની રાજકીય નેતાઓ નિવેદનો કરે છે પરંતુ, યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રજાના મત લઈ ચૂંટાઇ આવેલા શાસકો ભર નિંદ્રામાં હોય તેમ લાગી આવે છે. આજે વડોદરા જેના નામે ઓળખાય છે તે ઐતિહાસિક વારસો જાળવવામાં પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે.

Share :

Leave a Comments