બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે વડોદરા પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

વડોદરા શહેર પોલીસની વિદ્યાર્થીઓને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે અનોખી પહેલ

MailVadodara.com - Helpline-number-announced-by-Vadodara-Police-for-students-of-class-10-12-regarding-board-exam

- વિદ્યાર્થી ડિપ્રેશનમાં જણાય તો તુરંત માતા-પિતાએ હેલ્પલાઇન નંબર 100 કે 7434888100 અને 1096 નંબર પર સંપર્ક કરી મદદ માંગી શકાશે

- જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી અને ગુજરાત બોર્ડ દ્વારા પણ હેલ્પલાઈન શરૂ કરાઈ

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, ત્યારે વડોદરા શહેર પોલીસે વિદ્યાર્થીઓને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે અનોખી પહેલ કરી છે અને વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ કરી છે. આ પહેલાં વિવિધ જિલ્લાઓમાં જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી અને ગુજરાત બોર્ડ દ્વારા પણ આવી હેલ્પલાઈન શરૂ કરાઈ છે.


ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે. વડોદરા પોલીસ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવે છે. સાથે સાથે બોર્ડની પરીક્ષાનું બાળકો ખૂબ ડિપ્રેશન લેતા હોય છે અને ચિંતા કરતા હોય છે. વાલીઓ પણ પરીક્ષા કેવી જશે તે બાબતે ચિંતા કરતા હોય છે. વિદ્યાર્થીઓ ડિપ્રેશન અનુભવતા હોય છે. વાલીઓ પણ બોર્ડની પરીક્ષામાં બાળકો સારુ પર્ફોમન્સ કરે તેવી અપેક્ષા રાખતા હોય છે. આવા ડિપ્રેશનમાં બાળકો કોઇ અતિશયોક્તિ ભર્યું પગલું ભરી લેતા હોય છે અને આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસે આવા બાળકો માટે ખાસ પહેલ શરૂ કરી છે. જેમાં માતા-પિતા અને તેમના સગા-સંબંધીઓને લાગતુ હોય કે, બાળક ડિપ્રેશન ભોગ બન્યું છે અને તે ખૂબ જ સ્ટ્રેસ લઇ રહ્યો છે, તો અમારો સંપર્ક કરી શકે છે. તમે 100 નંબર ઉપર ફોન કરી શકો છો. આ ઉપરાંત અમારા હેલ્પલાઇન નં-7434888100 ઉપર સંપર્ક કરી શકો છો અને 1096 નંબર ઉપર પણ કોલ કરી શકો છો. આ નંબર ઉપર અમારી જિંદગી હેલ્પલાઇનની કાઉન્સેલિંગની ટીમ તમને મદદ કરશે.


તેઓએ ઉમેર્યું હતું કે, પરીક્ષા દરમિયાન કોઇને વાહનની તકલીફ હોય, બોર્ડના કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ પડતી હોય, તો હેલ્પલાઇન નંબર ઉપર મેસેજ, વોટ્સએપ અને કોલ કરી શકે છે. આ ઉપરાંત માતા-પિતાને લાગતુ હોય કે, કોઇ વિષયમાં બાળકને તકલીફ હોય તો અમે તેના લીઘે સ્ટ્રેટ લેતો હોય તો અમારી મહિલા સુરક્ષા સમિતિના સભ્યો મારફતે એ વિષયનું કાઉન્સેલિંગ અને ગાઇડન્સ પણ આપવામાં આવશે અને એનો મોરલ બુસ્ટ કરવાનો પ્રયાસ કરીશું.

તેઓએ કહ્યું હતું કે, પરીક્ષા પછી પણ બાળકો સ્ટ્રેસ અનુભવતા હોય છે, તે સમયે પણ અમારો સંપર્ક કરી શકો છો. પરીક્ષા કે તેના પરિણામના ડરથી આત્મહત્યા કરવાનો વિચાર આવે તો પણ તાકીદે શી ટીમનો સંપર્ક કરવો જોઈએ. જેથી અમારા નિષ્ણાતો યોગ્ય સલાહ આપી સમસ્યાનું નિરાકરણ લાવશે. અમે બાળકનું કાઉન્સેલિંગ કરીશું અને હતાશામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરીશું. અમારી શી ટીમ અને વડોદરા શહેર પોલીસ મદદ કરવા તૈયાર છે.

Share :

Leave a Comments