- અધિકારીઓ પ્રવેશના તમામ પાસાંઓની દેખરેખ રાખશે તેમજ નોંધણી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ/વાલીઓના કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા માટે ઉપલબ્ધ રહેશે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડમાંથી 12મું ધોરણ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે વિવિધ ફેકલ્ટીઓમાં સમર્પિત હેલ્પ સેન્ટરની સ્થાપનાની જાહેરાત કરી છે. આ પહેલ પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો પર વ્યાપક માર્ગદર્શન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા આર્ટ્સ, કોમર્સ, એજ્યુકેશન અને સાયકોલોજી, પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ અને સાયન્સની ફેકલ્ટીઓમાં હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે. આ ડેસ્કનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન અને સમર્થન પ્રદાન કરવાનો, ઉપલબ્ધ અભ્યાસક્રમો, અરજી પ્રક્રિયા અને અન્ય શૈક્ષણિક તકો વિશે વિગતો સ્પષ્ટ કરવાનો છે.
ઓ.એસ.ડી.(પબ્લિક રિલેશન એન્ડ કોમ્યુનિકેશન) પ્રો. હિતેશ ડી. રવિયાએ જણાવ્યું હતું કે વિવિધ ફેકલ્ટીઓમાં સ્થાપિત હેલ્પ ડેસ્ક ઉનાળુ વેકેશન દરમિયાન કાર્યરત રહેશે. જેથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતા શૈક્ષણિક કાર્યક્રમો અને પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન મેળવી શકે. પ્રવેશની દેખરેખ માટે અને કાર્યક્ષમ પ્રવેશ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે દરેક ફેકલ્ટી માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ પ્રવેશના તમામ પાસાઓની દેખરેખ રાખશે અને શૈક્ષણિક કાર્યક્રમો અને નોંધણી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ અથવા વાલીઓના કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા માટે ઉપલબ્ધ રહેશે.
GCAS પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલું GCAS પોર્ટલ સીધા ઇન્ટરફેસ સાથે નોંધણીનો સાતત્યપૂર્ણ અનુભવ પૂરો પાડે છે. અરજદારો માટે સરળ અને મુશ્કેલી વિનાની નોંધણી કરી શકાય તે માટે GCAS દ્વારા દસ્તાવેજોનું સરળ વ્યવસ્થાપન અને અપલોડ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીને તેમની અરજીની સ્થિતિ, દસ્તાવેજની ચકાસણી અને સંબંધિત અન્ય જાહેરાત બાબતે નિયમિત જાણકારી આપીને સારી રીતે માહિતગાર રાખવા. ગુજરાત રાજ્યની દરેક પબ્લિક યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી 480થી વધુ કોલેજો ખાતે સહાયકેન્દ્રોની રચના, જે અત્યંત અંતરિયાળ વિસ્તારો સહિતના તમામ વિદ્યાર્થીઓને મુશ્કેલી વિનાને સરળતાથી અરજી પ્રક્રિયા સંદર્ભે મદદરૂપ થશે.
વિદ્યાર્થીઓને ઉપલબ્ધ અભ્યાસક્રમોને લગતી માહિતી મેળવવામાં સરળતા રહેશે, તેમજ રાજ્યભરમાં તેમને જે તે અભ્યાસક્રમ સંલગ્ન કોલેજો અને યુનિવર્સિટીઓની માહિતી મેળવવી સરળ બનશે. GCASને કારણે વિદ્યાર્થી એક જ વખત ફી ચૂકવીને કોઈ પણ યુનિવર્સિટી કે કૉલેજ ખાતેના અભ્યાસક્રમો માટે અરજી કરી શકે છે. રાજ્યમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાગતા સમય અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો. ઉમેદવારોએ દરેક યુનિવર્સિટી કે કોલેજ માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં. તેઓ તેમના સંબંધિત અભ્યાસક્રમો માટે સર્વ સામાન્ય પ્રવેશ પ્રક્રિયા દ્વારા બહુવિધ યુનિવર્સિટીઓમાં અરજી કરી શકે છે.