- પાલિકા વિભાગ સત્વરે કામગીરી કરે તેવી રાહદારીઓની માગણી
વડોદરા પાલિકાની વડી કચેરી પાસે આવેલી ખંડેરાવ માર્કેટ પાસે મીઠાઈના વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવતા રાહદારીઓ અને વેપારીઓ વચ્ચે ચકમક ઝરી હતી. જાહેર માર્ગ ઉપર વેપારીઓ અને રાહદારીઓ વચ્ચે થયેલી ચકમકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકોને પડતી મુશ્કેલીઓ સામે હવે પાલિકા અને પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. મુશ્કેલી ભોગવતા રાહદારીઓનું કહેવું છે કે, દબાણ અંગે કહેવા જઈએ તો ઉદ્ધતાઇપૂર્વક વર્તન કરવામાં આવી રહ્યું છે.
દિપાવલી ટાણે ખરીદી કરવા માટે માર્કેટમાં ઉભું રહેવાની જગ્યા ના હોય તે હદની ભીડ જોવા મળી રહી છે. આ વચ્ચે વડોદરા પાલિકાની વડી કચેરી પાસે આવેલા ખંડેરાવ માર્કેટમાં મીઠાઇના વેપારીઓ દ્વારા દુકાન બહાર પાથરણું, ટેબલ તથા અન્ય દબાણો કરી દેવામાં આવ્યા હોવાનો વાઇરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ દબાણ કરવામાં આવતા રોડ-રસ્તા પરની અવરજવર પર તેની અસર પડી રહી છે. વેપારીઓ દ્વારા ગ્રાહકો સરળતાથી ખરીદી કરી શકે તે માટે આ વ્યવસ્થા તૈયાર કરાઇ હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ આ વ્યવસ્થાના કારણે રસ્તા સાંકડા થયા છે. ખાસ કરીને અહીંયાથી કાર લઇને જવું ભારે મુશ્કેલ બન્યું છે.
તાજેતરમાં કારચાલક અને વેપારીઓ વચ્ચે રકઝક થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થવા પામ્યો હતો. તેના પરથી વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણની માહિતી સપાટી પર આવવા પામી હતી. લોકોને આકર્ષવા માટે વેપારીઓએ જે વ્યવસ્થા ગોઠવી હવે તે અવરજવર કરનારા વાહનો માટે ફારસરૂપ બની રહી છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે કે કેમ તે એક પ્રશ્ન છે. આ મુદ્દે બે વિભાગોએ ત્વરિત પગલાં લેવાની જરૂર છે, ટ્રાફિક મેનેજમેન્ટ માટે પોલીસ વિભાગ અને દબાણો સામેની કામગીરી માટે પાલિકા વિભાગ સત્વરે કામગીરી કરે તેવી લોકો ઇચ્છા રાખી રહ્યા છે.