દુમાડ ચોકડી નજીક કંપનીના ફિનાઇલ-પુઠ્ઠાના ગોડાઉનમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં

કાળઝાળ ગરમીની સાથે આગના બનાવોમાં પણ સતત વધારો થયો

MailVadodara.com - Heavy-fire-at-company-phenyl-putty-godown-near-Dumad-Chowkdi-no-casualty

- આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી


કાળઝાળ ગરમીની શરૂઆત સાથે આગના બનાવોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. દિવસ દરમિયાન ત્રણ આગના બનેલા બનાવો બાદ મોડી રાત્રે વડોદરા નજીક દુમાડ ચોકડી પાસે ફિનાઇલ બનાવતી કંપનીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ આકાશને ચુંબતી આગની પ્રચંડ જ્વાળાઓએ વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધી હતી.

આ અંગેની મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે શહેરના દુમાડ ચોકડીથી સાવલી જવાના રોડ ઉપર આવેલી ફિનાઈલ બનાવતી કુસુમ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. કંપનીના ગોડાઉનમાં ફિનાઈલ તેમજ પેકિંગ માટેના પુઠ્ઠા સહિતનો જથ્થો પડ્યો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશને ચુંબતી વિકરાળ જ્વાળાઓના પગલે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઇ ગઈ હતી. લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને પ્રાથમિક રીતે આગને બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો.


જો કે, ફીનાઇલ અને પુઠ્ઠાના કારણે આગ બેકાબુ બનતા આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. વડોદરા ફાયરબ્રિગેડના લાશ્કરો તુરતજ સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં આગની જ્વાળાઓમાં ગોડાઉન સ્થિત તમામ મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો. આગ કાબુમાં આવતા આસપાસના લોકોએ પણ રાહત અનુભવી હતી.

ફાયરબ્રિગેડના લાશ્કરોએ જણાવ્યું હતું કે, ફીનાઇલના ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ચારેબાજુથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી. આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. અસહ્ય ગરમીના કારણે આગના બનાવોમાં વધારો થયો છે. આજે દિવસ દરમિયાન ત્રણથી વધુ આગના બનાવો બન્યા છે.

Share :

Leave a Comments