- ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 91 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્ર પર ખસેડાઇ, 76ની પ્રસુતિ કરાવાઇ
વડોદરા જિલ્લામાં ભારે વરસાદ બાદ ઉદ્દભવેલી સ્થિતિને ધ્યાને રાખી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ તમામ આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી છે. તેના પગલે જિલ્લાની આંગણવાડી તથા શાળામાં જતાં 3741 બાળકોની તબીબી ચકાસણી કરવામાં આવી છે. ખાસ કરીને શાળા કે આંગણવાડી બંધ હોય એવા સંજોગોમાં ઘરે જઇ આ કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ જણાવ્યું કે, વડોદરા જિલ્લા પંચાયતની 42 અને બહારના જિલ્લાની 10 મળી કુલ 52 મેડિકલ ટીમો, 450 પેરા મેડિકલ સ્ટાફ, 21 જેટલા મોબાઇલ યુનિટી દ્વારા ગામ્રીણ કક્ષાએ આરોગ્ય કેમ્પ કરવામાં આવી રહ્યા છે. આપત્તિ બાદ 29 ઓગસ્ટથી આજ સુધી કુલ 5.59 લાખ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી શરદી અને ખાંસીના 3230, તાવના 912 તથા ઝાડાના 212 કેસો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 504 જેટલા આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યા છે.
વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ 91 સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર ખસેડવામાં આવી હતી. તેમાંથી 76 મહિલાઓને પ્રસુતિ કરાવવામાં આવી છે. આ તમામ મહિલાએ તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો છે. બે મહિલાની એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવામાં આવી હતી.