બાબા અમરનાથની યાત્રા માટે વડોદરામાં 15મીથી જમનાબાઈ હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ શરૂ કરાશે

બાબા અમરનાથની યાત્રા લગભગ 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટે પૂરી થશે

MailVadodara.com - Health-checkup-will-be-started-at-Jamnabai-Hospital-in-Vadodara-from-15th-for-Baba-Amarnath-Yatra

- જાહેર રજાના દિવસો સિવાય સોમવારથી શુક્રવારે સાંજના 4થી 6 વાગ્યાના સમય દરમિયાન 50ની મર્યાદિત સંખ્યામાં હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવશે

બાબા અમરનાથની યાત્રા આ વર્ષે લગભગ 29 જૂનથી શરૂ થઈ રહી છે. 52 દિવસની આ યાત્રા 19 ઓગસ્ટે પૂરી થશે. અમરનાથની યાત્રાએ જનાર યાત્રીઓ માટે હેલ્થ ચેકઅપની કામગીરી વડોદરાની સરકારી જમનાબાઇ જનરલ હોસ્પિટલ, માંડવી-પાણીગેટ રોડ ખાતે તા.15થી શરૂ થઈ રહી છે. અઠવાડીયાના સોમવારથી શુક્રવારે જાહેર રજાના દિવસો સિવાય સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યાના સમય દરમિયાન 50ની મર્યાદિત સંખ્યામાં હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવશે. ચેકઅપ માટે યાત્રિકોને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી તેમજ અમરનાથજી યાત્રા અંગેનું હેલ્થ ચેક-અપ અંગેના ફોર્મ સાથે જમનાબાઈ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહેવા માટે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન દ્વારા જણાવાયું છે.

વડોદરાથી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રાએ જાય છે. અમરનાથ બાબાના દર્શન માટે યાત્રા આમ તો કઠિન છે. કારણ કે અમરનાથ યાત્રાનો રૂટ ઉબડખાબડ હોવાથી અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. એમાં પણ બાબાની ગુફા નજીક પહોંચતા અસંખ્ય ભાવિકોની તબિયત વિપરીત હવામાનના કારણે કથળી જાય છે. પહાડી વિસ્તારમાં હવા પાતળી થઈ જતા ઘણા યાત્રિકોનું ઓક્સિજન લેવલ ઘટી જાય છે. તેથી ગભરામણ અને શ્વાસ ચડવાની શિકાયતો જોવા મળે છે, પરિણામે શ્રદ્ધાળુઓને ત્યાં ઉભા કરવામાં આવેલા મેડિકલ કેમ્પમાં દાખલ થવું પડે છે. માથું દુઃખવું, ઉલ્ટી, ચકકર અને પેટમાં દુઃખાવાની ફરિયાદ પણ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. અમરનાથ યાત્રાનો રૂટ આકરો હોવાથી અનેક યાત્રાળુઓ પડી-આખડી જતા ઈજા ગ્રસ્ત થાય છે તેમજ કેટલાયના સ્નાયુઓ ખેંચાઈ જાય છે. યાત્રાના ઓનલાઇન રજીસ્ટ્રેશન સાથે હેલ્થ ચેકઅપનું પ્રમાણપત્ર જોડવું જરૂરી હોય છે.

Share :

Leave a Comments