હરણી બોટકાંડને આજે એક વર્ષ પૂરું, વ્હાલસોયા બાળકોને ગુમાવનાર પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે

હરણી તળાવમાં પીકનીકમાં ગયેલા ન્યુ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષકો મોતને ભેટયા હતા

MailVadodara.com - Harani-boat-incident-completes-one-year-today-families-of-those-who-lost-their-children-are-still-waiting-for-justice

- સંતાનો ગુમાવનારા પરિવારોનું દર્દ છલકાયું, આજે તમામ વાલીઓ પોસ્ટ અને બેનર સાથે ન્યૂ સનરાઇઝ સ્કૂલ સામે એકઠાં થયા

- સ્કૂલમાં આજે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા વાલીઓએ રોષ વ્યક્ત કર્યો


તારીખ 18 જાન્યુઆરી 2024 અને સ્થળ વડોદરાનું હરણી તળાવ. આ જ દિવસે આજથી બરાબર એક વર્ષ પહેલા ગુજરાતને હચમચાવી નાખનાર બપોરના સમયે સર્જાયેલી વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોન તળાવમાં બોટ પલટી જવાના કારણે શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષકો મોતને ભેટયા હતા. બોટ દુર્ઘટનાને આજે એક વર્ષ વિતી ચૂક્યું છે. આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા બાળકોને ગુમાવનાર પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પોતાના વ્હાલસોયા બાળકોને ગુમાવ્યાની આજે પ્રથમ વરસી છે, ત્યારે પીડિત પરિવારોનું દર્દ છલકાઈ ઉઠ્યું હતું.

આજે હરણી બોટકાંડની પ્રથમ વરસી 18 જાન્યુઆરી 2024ની નમતી બપોરે હરણી તળાવમાં પિકનીકમા નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસૂમ બાળકો સવાર હતા તે બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનીટોમાં 12 બાળકો અને બે શિક્ષિકાઓ મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને એક વર્ષ થઇ ગયું. છતાં, મૃતકોના પરિવારજનો આ ઘટનાને યાદ કરતાં ધ્રુજી જાય છે. આજે પીડિત પરિવારજનો દ્વારા પોતાના સંતાનોને શ્રધ્ધાંજલિ આપવાનો તેમજ હરણી એરપોર્ટથી ઘટના સ્થળ હરણી લેક સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના વ્હાલસોયા સંતાનોને ગુમાવનાર પરિવારજનોએ છેલ્લું એક વર્ષ કઈ રીતે વિત્યું તેની આપવીતી જણાવી હતી.

આજે તમામ વાલીઓ પોસ્ટ અને બેનર સાથે ન્યૂ સનરાઇઝ સ્કૂલ સામે એકઠાં થયા છે. સ્કૂલમાં આજે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ મામલો ન બિચકાય માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં બાળકોને યાદ કરીને દરેક વાલીની આંખોમાં આસું જોવા મળી રહ્યાં છે. સ્કૂલ સામેના ગ્રાઉન્ડમાં પીડિતો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 

મૃતક વિશ્વના માતા સંધ્યાબેન અને પિતા કલ્પેશભાઇ નિઝામાએ જણાવ્યું હતું કે, હરણી બોટકાંડની ઘટના સૌ કોઇ ભૂલ ગયા હશે, પરંતુ, અમારા માટે આ ઘટના ભૂલવી અશક્ય છે. ઘરની દિવાલ ઉપર પુત્રનો લટકાવેલો ફોટો રોજ જોઇને ઘટનાનો દિવસ યાદ આવી જાય છે, વિશ્વ ન રહેતા તેના નાનાભાઇને દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ ગયું છે. એથી વધારે ઘટનાસ્થળ હરણી તળાવનો રસ્તો બદલી નાખ્યો છે. વિશ્વ આજે પણ નજર સામેથી જતો નથી. શનિવારે આ ઘટનાને એક વર્ષ થાય છે. પરંતુ, હજી સુધી અર્મોને ન્યાય મળ્યો નથી. વળતર માટે જંગ ચાલી રહ્યો છે. એક વર્ષ થઇ ગયું છતાં, અમોને ન્યાય મળ્યો નથી. પાલિકાના ભ્રષ્ટાચારીઓ અને શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવા અમારી માંગણી છે. જો તંત્ર શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરી શકતું ન હોય તો શાળાને બંધ કરાવી દેવા અમારી માંગણી છે. આ ઘટનાની સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે.

આ ઘટનામાં કોઠારી દંપતીની દીકરી અલીશા પણ ભોગ બની હતી. જોકે, કુદરતે 20 દિવસ પહેલાં દંપતીના ઘરે બીજી દીકરી આપીને અલીશાના મોતથી ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયેલા કોઠારી દંપતી સહિત પરિવારને રાહત આપી છે. અલિશાના પિતા ઉમરભાઇ કોઠારીએ જણાવ્યું હતું કે, મારા ઘરે 20 દિવસ પહેલાં બીજી દીકરીનો જન્મ થયો છે. કુદરતે બનાવેલી સિસ્ટમ તો બરાબર છે. બીજી દીકરીના જન્મ સાથે ન્યાય મળી ગયો છે. પરંતુ, ભ્રષ્ટાચારીઓ દ્વારા બનાવવામાં આવેલી સિસ્ટમમાં હજુ ન્યાય મળ્યો નથી. ફરિયાદી આરોપી હોવા છતાં કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી.

મૃતક રોશનીના પિતા પંકજભાઇ શિંદેએ જણાવ્યું હતું કે, અમારા ઘરની રોશની છીનવાઈ ગયાને એક વર્ષ થઇ ગયું. તંત્રની લાપરવાહીના કારણે મારી માસુમ દીકરીને જીવ ગુમાવવાનો વખત આવ્યો. અમો પરિવારને રાજકીય અગ્રણીઓ સાંત્વના આપીને જતા રહ્યા. અને હજુ પણ સાંત્વના આપી રહ્યા છે. પરંતુ, અમોને ન્યાય મળ્યો નથી. આજે પણ અમો પરિવારજનો રોશનીને ભૂલી શક્યા નથી. ન્યાયની રાહ જોઇ રહ્યા છે. શનિવારે ઘટનાને એક વર્ષ થશે. હજુ વળતર માટે ઝઝૂમી રહ્યા છે.

આ ઉપરાંત મૃતક મુહવીયાના પિતા મોહંમદ માહિરભાઈ શેખે જણાવ્યું હતું કે, આ ઘટનામાં અત્યાર સુધી તટસ્થ તપાસ કરવામાં આવી નથી. આથી આ ઘટનાની તટસ્થ તપાસ થવી જોઇએ. અને આ ઘટનામાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. હાઇકોર્ટની ટકોર હોવા છતાં અધિકારીઓ સામે કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી. શાળા સંચાલકો સામે પણ પગલાં ભરવામાં આવે તેવી અમારી માંગણી છે. બોટ દુર્ઘટનામાં દીકરી આયાતને ગુમાવનાર પિતા અલ્તાફભાઈ મન્સુરીએ જણાવ્યું હતું કે, ઘટનાને એક વર્ષ થઇ ગયું છે. છતાં ન્યાય માટે ઝઝૂમવું પડે છે. આ ઘટનામાં પાલિકાના અધિકારી રાજેશ ચૌહાણ જે ફરિયાદી છે તે જ આરોપી છે. તેઓ સામે નવી એફ.આઈ. આર કરી કાર્યવાહી કરવામાં આવે.

હરણી બોટ કાંડમાં બાળકો ગુમાવનાર પરિવારજનો માટે લડત આપી રહેલા કાઉન્સિલર આશિષ જોષીએ જણાવ્યું હતું કે, 18 જાન્યુઆરી 2024ના રોજ હરણી તળાવમાં બનેલી ઘટના ભૂલી શકાય તેમ નથી. આ ઘટનામાં પાલિકાના જે ફરિયાદી છે તે જ આરોપી છે. પરંતુ કોર્પોરેશને પી.એફ. માંથી રૂપિયા 5 હજાર કાપી સંતોષ માન્યો છે. આ ઘટનામાં હજુ સુધી શાળા સંચાલકો તેમજ પાલિકાના અધિકારીઓ સામે જે પ્રમાણે કાર્યવાહી થવી જોઇએ તેવી થઇ નથી. હજુ પણ પિડીત પરિવારજનો ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે. જે શરમ જનક છે.

વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, હરણી બોટ કાંડમાં સરકારે તુરતજ પરિવારજનોને સહાય ચૂકવી દિધી છે. હાઇકોર્ટેના આદેશ અનુસાર નાયબ કલેકટર દ્વારા પીડિત પરિવારજનોને વળતર માટે કાર્યવાહી કરી રહ્યા છે. આ ઘટનામાં પાલિકાના જે કોઇ અધિકારી અને કર્મચારીઓની ભૂલ જણાઇ આવી છે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેની તમામ કાળજી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ ગોઝારી ઘટનામાં પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા માટે લડત આપી રહેલા ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હરણી બોટકાંડને શનિવારે એક વર્ષ થશે. પરંતુ હાઇકોર્ટની સુચના હોવા છતાં, પાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડો. વિનોદ રાવ સહિત અધિકારીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુર્ઘટના કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હતી. ભ્રષ્ટાચારીઓ સામે વહેલીતકે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. આ ઘટનામાં 20 જેટલા આરોપીઓ જામીન ઉપર બહાર આવી ગયા છે. અને પોતાના વ્યવસાયમાં લાગી ગયા છે. પરંતુ, પીડિત પરિવારજનો હજુ ન્યાય માટે ઝઝુમી રહ્યા છે.

Share :

Leave a Comments