- આરોપી સામે અગાઉ બોડેલી, પાલડી, ખોખરા, પાણીગેટ પોલીસ સ્ટેશન તથા મુંબઈના તિલકનગર પોલીસ સ્ટેશનને મળીને 7 ગુનામાં ઝડપાઈ ચૂક્યો
કાર ભાડેથી ફેરવવા માટે લીધા બાદ માલિકની જાણ બહાર બારોબાર ગીરવી મુકીને ઠગાઈ આચરનાર ચાંદખેડા પોલીસ સ્ટેશનના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે અક્ષરચોક્ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સોંપાયો છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, અક્ષર ચોક પાસે એક શંકાસ્પદ શખ્સ જણાઈ આવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઉભો રખાવ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછ કરતા તેનું નામ મોહંમદઉવેશ મોહસીન શેખ (રહે. મીરા એવન્યુ, ચીતારાવાડ, મસ્જિદ સામે, સુલતાનપુરા, વડોદરા)નો હોવાનું માલૂમ પડ્યું હતું. દરમિયાન તપાસ કરતા મોહંમદઉવેશ શેખ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા ભાડે મેળવેલી કારને તેના માલિકની જાણ બહાર બારોબાર ગીરવે મુકી ઠગાઈના ગુનાના આરોપી હોવાનું જાણવા મળ્યું હતું. કારની ઠગાઈની ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનયી છે કે આરોપી ઝુમ એપ્લિકેશન દ્વારા કાર અન્ય વ્યક્તિના નામથી બુક કરી ભાડે ફેરાવવા માટે લઈ ગયો હતો. ત્યારબાદ કારની જીપીએસ સિસ્ટમ તથા મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. માલિકને કાર પરત નહી કરીને તેમની જાણ બહાર બારોબાર ગીરવે મુકી ઠગાઈ આચરી હતી. આરોપી સામે અગાઉ બોડેલી, પાલડી, ખોખરા, પાણીગેટ પોલીસ સ્ટેશન તથા મુંબઈના તિલકનગર પોલીસ સ્ટેશનનો મળીને 7 ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.