ગુજરાત પબ્લિક યુનિ. એક્ટના વિરોધમાં MSUની વિદ્યાર્થીનીઓએ 10 ધારાસભ્યો અને શિક્ષણમંત્રીને પોસ્ટમાં કાળી બંગડી મોકલી..!!

રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિ. એક્ટને વિધાનસભામાં મંજૂરી આપતા ઠેર ઠેર વિરોધ જાેવા મળ્યો

MailVadodara.com - Gujarat-Public-Univ-MSU-students-sent-black-bangles-in-the-post-to-10-MLAs-and-Education-Minister-in-protest-against-the-Act

- રાવપુરા પોસ્ટ ઓફિસ ખાતે વિદ્યાર્થીનીઓ, સેનેટ, સિન્ડિકેટ, પૂર્વ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી નેતા અને વિવિધ સંગઠનના આગેવાનોએ કાળી બંગડી તેમજ આવેદન પત્ર પોસ્ટ કરી વિરોધ નોંધાવ્યો


રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક યુનિ. એક્ટને વિધાનસભામાં મંજૂરી આપતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પણ અગાઉ સેનેટ, સિન્ડિકેટ અને પૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આજે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા વડોદરા જિલ્લાના તમામ 10 ધારાસભ્યો અને શિક્ષણમંત્રીને કાળી બંગડી પોસ્ટમાં મોકલી આ કાળા કાયદાને પાછો લેવામાં આવે તેવી માગ સાથે પોસ્ટ મારફતે બંગડીઓ રવાના કરવામાં આવી હતી.


આ પબ્લિક એક્ટને લઈ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સ્વાયત્તતાનો અંત આણ્યો હોય તેમ સેનેટ, સિન્ડિકેટ, વિધાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થી સંગઠન નેતાઓ દ્વારા વારંવાર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ઠેર ઠેર વિરોધ વચ્ચે પણ આ પબ્લિક યુનિ. એક્ટ પસાર કરતા સેનેટ, સિન્ડિકેટ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીનો ખાત્મો બોલાવતું પબ્લિક યુનિ. એક્ટ ધારાસભામાં પ્રસ્તુત થયું ત્યારે મ્હોં માં મગ ભર્યા હોય તેમ આપણા દસ ધારાસભ્યોએ ચું કે ચાં કર્યું નથી. એમની આ ગુલામ માનસિકતાની અમને દયા આવે છે. આજે શરમ આવે છે કે જે લોકો પક્ષના દબાવમાં માતૃસંસ્થાના અપમાનમાં પણ ભાગીદાર થઇ ગયા.


આ અંગે સેનેટ મેમ્બર કપિલ જોષીએ જણાવ્યું હતું કે, અમે આ બિલનો વિરોધ કરનારાઓએ ધરણા, રેલી, સુત્રોચાર આવેદનો પત્રોનો સિલસિલો ચાલુ રાખેલો હોવા છતાં એને ગણકાર્યા વિના વિદ્યાનો વેપાર કરવા માગતી સરકારે આખરે આ બિલ પાસ કર્યું જ. અમને વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ આશ્વાસન આપેલું કે બિલ રજુ થાય ત્યારે અમે એમ.એસ. યુનિવર્સિટીની સ્વાયત્તતા જળવાય તે માટે પ્રયત્ન કરીશું, પણ એ તો ચીરહરણ વખતે ભીષ્મ પિતામહની જેમ ચુપ જ બેસી રહ્યાં.

આ બિલને લઇ આજે શહેરના રાવપુરા પોસ્ટ ઓફિસ ખાતે એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીની બહેનોએ પોસ્ટ દ્વારા કાળી બંગડી તેમજ એક આવેદન પત્ર પોસ્ટ કર્યું હતું. એમનામાં સદબુદ્ધિ તેમજ હિંમત પ્રગટે અને આ કાળો કાયદો પાછો ખેચો એવી માગ કરી છે. પોસ્ટ ઓફિસ ખાતે વિદ્યાર્થીનીઓ, સેનેટ, સિન્ડિકેટ, પૂર્વ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી નેતા અને વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.

Share :

Leave a Comments