- આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેતા વાહનચાલકોને છાંયડો મળે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ગ્રીનનેટ વાળા શેડ ઊભા કરવામાં આવી રહ્યા છે
વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પાસે સર્કલ પર ઊભા કરાયેલા શેડને લકઝરી બસે અડફેટે લેતા ધરાશાયી થયો હતો. જેમાં એક બાઇકચાલક ઇજાગ્રસ્ત થયો હતો. શેડ તૂટવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.
વડોદરા શહેરમાં પડી રહેલી આકરી ગરમીને પગલે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહનચાલકોને તડકામાં રાહત મળે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સિગ્નલ ઉપર ઊભેલા વાહનચાલકોને છાંયડો મળે તે રીતના ગ્રીનનેટ વાળા શેડ ઊભા કરવામાં આવી રહ્યા છે. જે પૈકી દાંડિયા બજાર બ્રિજ પાસે રવિવારે બપોરે જ શેડ ઊભો કરાયો હતો. શનિ મંદિર પાસેનો આ શેડ અચાનક ધરાશાયી થતાં નાશભાગ મચી ગઇ હતી. જો કે, સ્થળ પરથી પસાર થતા એક બાઈકચાલકને પગમાં ઈજા પહોંચી હતી અને તેના બે બાળકો અને પત્નીનો બચાવ થયો હતો.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા યોગીનગર ખાતે રહેતા 40 વર્ષના નિવૃત્તિભાઈ મોરે, તેમના પત્ની અને બાળકો સાથે બાઈક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે અંદાજે 11 વાગ્યાના અરસામાં લક્ઝરી બસનું કેરિયર શેડમાં ફસાઈ ગયું હતું. જેથી ગ્રીન કલરના પડદા લગાડેલો લોખંડના એંગલ ઉપર ઊભો કરાયેલો શેડ અચાનક ધરાશાયી થઈ ગયો હતો.
શેડ ધરાશાયી થતાં બાઈક ચાલક નિવૃત્તિભાઈના જમણા પગમાં ઇજાઓ પહોંચી હતી. તેમણે તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, તંત્રની બેદરકારીને પગલે મારા પત્ની અથવા બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત. શેડ તૂટી જતાં ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકોને આકરી ગરમીથી રાહત આપવા માટે વડોદરા પોલીસ દ્વારા વિવિધ સર્કલો ઉપર ગ્રીન નેટના શેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી શુક્રવારથી શરૂ કરવામાં આવી છે અને રોજ અલગ-અલગ સર્કલો ઉપર આ શેડ તૈયાર કરાઈ રહ્યા છે.