વડોદરામાં પૂરના પાણી ઓસરતા જ નદીમાંથી ધસી આવેલા મગર નદી તરફનો રસ્તો ભૂલી જતા શહેરમાં આવી ગયા છે. છેલ્લા 5 દિવસથી શહેરના કોઇના કોઇ વિસ્તારમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, જે સિલસિલો આજે પણ યથાવત છે. શહેરના નવલખી મેદાન, મુજમહુડા અને શુભ બંગ્લો વિસ્તારમાં મહાકાય મગર આવી ગયા હતા. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વન વિભાગની મદદ લઇ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાપ અને કાચબાનુ પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં.
વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ અલગ-અલગ વિસ્તારોમાં મગર નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી અલગ-અલગ NGO દ્વારા એક પછી એક મહાકાય મગરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, જે સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. મોડી રાત્રે શહેરના શુભ બંગ્લો વિસ્તારમાં મહાકાય મગર આવી ગયો હતો. જે અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોનો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. 9 ફૂટ અને 12 ફૂટના મગરનું રેસ્ક્યુ કરીને તેને સહીસલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શહેરના નવલખી ગ્રાઉન્ડમાં આવેલા કૃત્રિમ તળાવમાં મગર નીકળ્યો હોવાની જાણ ત્યાંના સિક્યોરીટી જવાને કરી હતી. આ સ્થળ પર જઇને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમોએ જોતા તળાવના ગેટ પાસે 10 ફૂટનો મોટો મગર જોવા મળ્યો હતો. જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે.
વધુ એક રેસ્ક્યુ કોલ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખને મોડી રાત્રે 2 વાગ્યે ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, અટલાદરામાં આવેલી કંપનીમાં મગર નીકળ્યો છે. જે બાદ વોલંટીયર્સ સ્થળ પર પહોંચ્યા હતા. જેમાં ત્રણ ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્રણ વાગ્યે ટ્રેક્ટર પાસે મગર આવ્યો હોવાની જાણ થતા ટીમો પહોંચી હતી અને 9 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મગરને સાવચેતીપૂર્વક વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમા વિસ્તારમાં સાપ અને કાચબો નીકળતા ટીમો સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.