વડોદરાના સુખલીપુરા ગામના રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર ઘૂસ્યો, ચાલુ વરસાદમાં રેસ્ક્યૂ કરાયો

માર્ચથી જૂન મહિનામાં મગરનો નેસ્ટિંગનો સમય હોવાથી વધુ આક્રમક બને છે

MailVadodara.com - Giant-crocodile-entered-residential-area-of-Sukhlipura-village-Vadodara-rescued-in-ongoing-rain

- અડધો કલાકની ભારે જહેમત બાદ 12 ફૂટ લાંબા મહાકાય મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો


વડોદરા શહેરની વચ્ચોવચથી નીકળતી વિશ્વામિત્રી નદીમાં મગરો પડ્યા-પાથર્યા રહે છે. વડોદરા શહેર અને જિલ્લામાં આ મગરો માનવ વસ્તીમાં આવવા લાગે છે. ત્યારે રાત્રિના સમયે વડોદરા નજીક આવેલા સુખલીપુરા ગામમાં ઘર પાસે 12 ફૂટ લાંબો મહાકાય મગર ઘૂસી આવ્યો હતો. આ મગરનું ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.


રાત્રિના 3 વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર સુખલીપુરા ગામના સરપંચનો ફોન આવ્યો હતો કે, અમારા ગામમાં ભરવાડ વાસ પાસે એક મહાકાય મગર રોડ પર આવી ગયો છે. આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત, કિરીટ રાઠોડ, અશોક વસાવા, હાર્દિક પવાર અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નીતિન પટેલ અને લાલજી નિઝામાને લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને જોતા એક મહાકાય 12 ફૂટનો મહાકાય મગર ઘર પાસે આવેલા રોડ પર જોવા મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગનાં રેસ્ક્યુ સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો.


માર્ચથી જૂન મહિનામાં મગરનો નેસ્ટિંગનો સમય હોય છે, તેથી આ સમયગાળા દરમિયાન મગરો વધુ આક્રમક બને છે. તેઓ પોતાનાં ઇંડાં અને બચ્ચાને સાચવવા આક્રમક બને છે, પરંતુ મગરની પ્રવૃત્તિ માણસને મારી નાખવાની નથી હોતી. ભાગ્યે જ કોઈ મગરે માણસને મારીને ખાધો હશે. મોટા ભાગે મગર માણસને મારીને છોડી દે છે.


વડોદરા શહેરમાંથી 17 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર છે. આ સિવાય આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને વડોદરા શહેર જિલ્લાના તળાવો મળી અંદાજે એક હજાર જેટલા મગર છે. એક માદા મગર 20થી 22 ઇંડાં મૂકે છે, જેમાંથી સમય જતા માત્ર એકાદ બચ્ચું જીવે છે. જેમ માણસો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એકથી બીજી જગ્યાએ રહેણાક કરતો રહે છે તેમ મગર પણ એક સામાજિક પ્રાણી છે. મગર પોતાનો પરિવાર બનાવે છે અને તેની સાથે રહે છે. એક મગર બીજા મગરને પોતાના રહેણાક વિસ્તારમાં પ્રવેશવા દેતો નથી. મગરો વચ્ચે માદાને લઇને ઇનફાઇટ પણ થાય છે. જેથી મગરો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નદીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એક નદીમાં બીજી નદીમાં કે તળાવમાં માઇગ્રેશન કરે છે.

Share :

Leave a Comments