- અકોટામાં રહેતા ચંદ્રવદન દસાડિયાએ જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વડોદરા અકોટા વિસ્તારમાં રહેતા વૃદ્ધ મુજમહુડા પાસેના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. પરંતુ રૂપિયા નહી ઉપડતા મદદ કરવાના બહાને ગઠિયાએ વૃદ્ધનું ATM કાર્ડ બદલી તેનો પિન પણ મેળવી લીધો હતો. ત્યારબાદ તેમના ખાતામાંથી રૂપિયા 40 હજાર બારોબાર ઉપાડી લીધા હતા. જેથી વૃદ્ધે જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અકોટા ગાર્ડન પાસે આવેલી રાધાકૃષ્ણ પાર્કમાં રહેતા ચંદ્રવદન ભોગીલાલ દસાડિયા (ઉં.વ.75) નિવૃત જીવન ગુજારે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, 13 ઓક્ટોબરના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં મારે રૂપીયાની જરૂર પડતા હું ATM લઈને પીએફ ઓફીસ રોડ ઉપર આવેલા એસબીઆઈ બેંકના ATM પર ગયો હતો અને ત્યા જઈ એ.ટી.એમ મારફતે રૂપીયા ઉપાડવાનો પ્રયાસ કરતા રૂપીયા ઉપડતા ન હતા. ત્યારબાદ હું રીલાયન્સ મોલની સામે ઓપી.રોડ ખાતે ATM પર મારફતે રૂપીયા ઉપાડવાનો પ્રયાસ કરતા ત્યાં પણ રૂપીયા ઉપડયા ન હતા. જેથી હું મુંજમહુડા સર્કલ ખાતે આવેલ એસબીઆઈ બેંકના ATM ખાતે સાડા દસેક વાગ્યાના અરસામાં ગયો હતો. જ્યાં મેં ચાર પાંચ વખત ATM મશીનમાં કાર્ડ નાખી રૂપીયા ઉપાડવા પ્રયત્ન કરવા છતાં રૂપીયા નહી ઉપડતા ત્યાં બાજુમાં ATM મશીનના કેબીનમાં એક ઇસમ હાજર હોય રૂપીયા નહી ઉપડતા જોઈને મને જણાવવા લાગ્યો હતો કે હવે ATMમાં આ સ્વીચ દબાવો અહી ટચ કરો.. તેમ જણાવી અમને રૂપીયા ઉપાડવા બાબતે શીખવાડવા લાગ્યો હતો અને મશીનમાંથી મને રૂપીયા ઉપાડી આપશે એવી મદદના બહાને તે ઇસમે મારું ATM કાર્ડ તેના હાથમાં લઈ ATM મશીનમાં નાખી ત્રણથી ચાર વખત પ્રોસેસ કરી મને જણાવેલ કે તમારા રૂપીયા ઉપડતા નથી કહી મને હાથમાં એક ATM કાર્ડ આપ્યું હતું. જે લઈને ઉર્મી સોસાયટી ગાયસર્કલ ખાતે આવેલ એસબીઆઈ બેંકના ATM ખાતે ગયો હતો અને ત્યાં પણ રૂપીયા ઉપાડવાનો પ્રયાસ કરતા રૂપીયા ઉપડેલ નહી જેથી હું મારા ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ મારા મોબાઇલ ફોનમા મારા એકાઉન્ટમાંથી રૂપીયા 10 હજાર ઉપડી ગયાનો મેસેજ આવતા મેં કાર્ડ બ્લોક કરાવી દીધું હતું.
ત્યારબાદ પણ અમારા એકાઉન્ટમાંથી કુલ રૂ.40 હજારનું ટ્રાન્જેકશન થયા હોવાનું જણાયું હતું. મેં મારી પાસે રહેલ એ.ટી.એમ. કાર્ડ ચેક કરતા તે કાર્ડ દિલીપ કુમારનું લખેલુ હતું. આમ ગઠિયાએ ATMકાર્ડ બદલી નાખી કાર્ડ દ્વારા વિવિધ એટીએમમાંથી રૂપિયા ઉપાડી મારી સાથે છેતરપિંડી આચરી છે. જે.પી રોડ પોલીસે ગુનો નોંધી ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.