- આશિષ જોષીની પુરાવા સાથેની વારંવાર ફરિયાદો છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટ નું પાણી હાલતુ નથી..!
- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માં ચાલતી ગેરરીતિનો પર્દાફાશ ભાજપના જ કાઉન્સિલર કરી ચુક્યા છે
વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ વહીવટના પુરાવા છાશવારે પ્રકાશમાં આવે છે. સૌથી વધુ ગેરરીતિ અને ભ્રષ્ટ વહીવટ નો ઉત્તમ નમૂનો બની ગયેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ચાલતા કૌભાંડનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. કચરાના ટ્રકમાં માટી ભરી વજન વધારવાના કારસાનો પર્દાફાશ થયો છે.
વડોદરા શહેરના વિકાસના આડે ભ્રષ્ટાચારનું ગ્રહણ વર્ષોથી આડખીલી બની રહ્યું છે. સરકારે એક થી ચઢીયાતા અધિકારીઓ વડોદરાને આપ્યા,પરંતુ વડોદરા જ્યાં હતું એના કરતા પાછળ જઈ રહ્યું છે. વિકાસમાં ચાર મોટા શહેરમાં વડોદરા હંમેશા ચોથા ક્રમે જ આવે છે. વર્ષોથી વડોદરાનો ચોથો ક્રમ વિકાસનો દાવો કરનારાઓના મોઢે સણસણતા તમાચા સમાન છે. પાલિકામાં કૌભાંડોની હારમાળા સર્જાય છે ત્યારે પાલિકામાં પ્રામાણિક વિભાગ દીવો લઈને શોધવા જવુ પડે એવુ કપરું કામ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું નામ કૌભાંડની ફરિયાદોમાં કદાચ મોખરે હશે. પૂર્વ વિસ્તારમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે, જે જોઈએ તો ખ્યાલ આવી જાય કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી સામે આટલી બૂમો કેમ ઉઠે છે ? વારશિયા રિંગ રોડ પર જી જે 06 AV 4454 નંબરના ડમ્પર ટ્રકમાં કચરા ને બદલે માટી અને પથ્થરનો કાટમાળ ભરવામાં આવી રહ્યો હતો.
ટ્રક ભરાઈ જાય છે ત્યાર બાદ પહોંચે છે ગધેડા માર્કેટ નજીક આવેલા કચરો ભેગો કરવાના સ્પોટ પર. અહીં અગાઉથી માટી અને પથ્થર ના કાટમાળ ભરેલા ટ્રક માં કચરો ભરવામાં આવ્યો . જે ડમ્પરમાં કચરો ભરીને લઈ જવાનો હોય એમાં માટી અને અન્ય સામગ્રી ભરવામાં આવી રહી હતી. અમે તમને એ પણ જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટરને કચરાના વજન પ્રમાણે નાણાં ચૂકવાય છે. કચરા કરતા માટી અને પથ્થરના કાટમાળ નું વજન વધુ હોય છે એટલે માટી અને પથ્થર ને કચરામાં ખપાવવામાં આવે છે. આમ કોન્ટ્રાક્ટરને કચરાના નામે પાલિકા, માટી અને પથ્થરના કાટમાળના નાણાં ચૂકવે છે. હવે આને કૌભાંડ ના કહેવાય તો શું કહેવાય..? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપો અને ફરિયાદો બીજું કોઈ નહીં પરંતુ શાસક પક્ષના કાઉન્સિલર આશિષ જોષી વારંવાર કરી ચુક્યા છે. આશિષ જોષી એ આ અંગે પુરાવા પણ આપ્યા છે. જો કે અધિકારીઓના પેટ નું પાણી હાલતુ નથી. અમે તમને એ પણ જણાવી દઈએ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ચાર ઝોન પ્રમાણે કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ આપવામાં આવે છે. પરંતુ ધાર્યું પરિણામ મળતું નથી. સરવાળે પ્રજાની પરસેવાની કમાણી છેવટે ભ્રષ્ટ વહીવટને ભેટ ચઢી જાય છે અને વડોદરા શહેર હતું ત્યાં ને ત્યાં રહી જાય છે.