- કાઉન્સિલર આશિષ જોષીએ ફરિયાદ કરી તો કોન્ટ્રાકટરને દંડ કરી અધિકારીઓએ સંતોષ માણ્યો..!
- આશિષ જોશીની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ માં પણ અધિકારીઓનું અકળ મૌન..!!
વડોદરા શહેરને સ્વચ્છતામાં છાશવારે એવોર્ડ મળતા હોવાનો દાવો કરતા વહીવટી તંત્રની પોલ સફાઈના કોન્ટ્રાકટરો ખોલી નાખે છે. પૂર્વ વિસ્તારના કાઉન્સિલરે કોન્ટ્રાકટરની મનમાનીના પુરાવા આપ્યા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ ફરક પડતો નથી.
વડોદરા મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટના પાપે શાસકોને શરમમાં મૂકાવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. પાલિકાના પૂર્વ વિસ્તારના કાઉન્સિલર આશિષ જોશીએ તાજેતરમાં સફાઈના કોન્ટ્રાકટરની મનમાની અંગે ફરિયાદ કરી હતી. આશિષ જોશી મુજબ ગધેડા માર્કેટ નજીક આવેલા શાક માર્કેટ પાસે કચરાનું ડમ્પિંગ યાર્ડ છે. નિયમ મુજબ અહીં થી કચરો સાંજે પાંચ વાગ્યા સુધી સાફ થઈ જવો જોઈએ. જો કે સફાઈના કોન્ટ્રાકટર આ નિયમ નું પાલન કરતા નથી અને અમારા જેવા ફરિયાદ કરે તો અધિકારીઓ દંડ કરીને સંતોષ માણે છે.
પાલિકાના વહીવટી તંત્ર ની લાચારી કહો કે કોન્ટ્રાકટરની દાદાગીરી, છેવટે તો શહેરીજનોએ ગંદકીની સમસ્યા વેઠવાનો વારો આવે છે. અહીં મહત્વનું એ છે કે શાશક પક્ષના કાઉન્સિલરની ફરિયાદોને ગંભીરતાથી લેવાતી ના હોય તો પ્રજાની ફરિયાદ ધ્યાને કેવી રીતે લેવાતી હશે ? અત્રે ઉલ્લેખનીય છે કે આશિષ જોષી અગાઉ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કૌભાંડ ચાલતું હોવાના પુરાવા રજૂ કરી ચુક્યા છે. જો કે કહેવાતા જાબાઝ અધિકારીઓ હજી કોઈ નક્કર પગલાં લઈ શક્યા નથી.