- જીપીએસ બેઝડ વ્હીકલ ટ્રેકીંગ ડીવાઈઝ પોર્ટલ પર નોંધણી ન કરાવેલ વાહનો રાજ્યમાં ખનિજના ખનન, વહન અને સંગ્રહ ઉપયોગ માટે અમાન્ય ગણાશે
વડોદરા જિલ્લામાં રેતી, બ્લેક ટ્રેપ સહિતના ખનિજ વહન સાથે સંકળાયેલ વાહનો માટે જીપીએસ તેમજ ખનિજના વપરાશકારો માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યુ છે. તા.૩૦ સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન માટે અંતિમ તારીખ નિર્ધારિત કરવામાં આવી છે.
રાજ્યના ખનિજ વપરાશ સાથે જોડાયેલા તમામ વપરાશ કર્તા, ખનિજનો કાચામાલ તરીકે ઉપયોગ કરતા ઉદ્યોગો, સિરામિક, સિમેન્ટ, રેડીમિક્સ કોક્રિટ તથા અન્ય ઉદ્યોગો અથવા પ્લાન્ટોના ધારકો, બાંધકામ માટેના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વપરાશકારો તથા જાહેર અથવા સરકારી બાંધકામ સાથે સંકળાયેલ કોન્ટ્રાકટર, પેટા કોન્ટ્રાકટર, ટ્રસ્ટ, કો-ઓપરેટીવ સંસ્થા, પાર્ટનરશીપ ફર્મ દ્વારા ફી ભરી તા.૩૦ નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં રજિસ્ટ્રેશન મેળવી લેવા તાજેતરમાં ખનિજ વિભાગ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે. કોન્ટ્રાકટર અથવા પેટા કોન્ટ્રાકટરના રજિસ્ટ્રેશનની જવાબદારી જે તે ખાતા હેઠળ કામો કરતા હોય તે ખાતાના વડાની રહેશે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
ખનિજ ખનન અથવા વહન સંગ્રહ પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ વાહનો, વાહન માલિકો, વે-બ્રિજધારક, માઈન ડેવલપમેન્ટ ઓપરેટર, યાંત્રિક મશીનરીના માલિક અને ધંધાર્થીઓએ પોર્ટલ પર લાગુ પડતી ફી ભરીને નોંધણી કરાવવી જરૂરી છે. વાહનોમાં જીપીએસ બેઝડ વ્હીકલ ટ્રેકીંગ ડિવાઈસ લગાવવું પણ ફરજિયાત છે. તા.૩૦ નવેમ્બર, ૨૦૨૩ બાદ જીપીએસ બેઝડ વ્હીકલ ટ્રેકીંગ ડીવાઈઝ પોર્ટલ પર નોંધણી ન કરાવેલ વાહનો રાજયમાં ખનિજના ખનન, વહન અને સંગ્રહ ઉપયોગ માટે અમાન્ય ગણાશે.