વડોદરા શહેર-જિલ્લાના 10 દિવ્યાંગ બૂથોનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગ અધિકારી કર્મચારીઓને સોંપાયું

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે

MailVadodara.com - Full-management-of-10-Divyang-Booths-of-Vadodara-City-District-handed-over-to-Divyang-Officers

- 24897 દિવ્યાંગ મતદારો નોંધાયા, ચૂંટણી પંચ દ્વારા તમામ દિવ્યાંગજનો કોઈપણ પ્રકારની અગવડ વગર મતદાન કરી શકે તેવી તમામ સુવિધાઓ ઉપર ભાર મૂક્યો

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સમૂહો જોડાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં શહેર તથા જિલ્લાના કુલ 24897 દિવ્યાંગો મતદાન કરે તે માટે સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે.

વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા મત વિભાગમાં 2560, વાઘોડિયામાં 3351, ડભોઈમાં 2744, વડોદરામાં 3228, સયાજીગંજમાં 1866, અકોટામાં 1683, રાવપુરામાં 2763, માંજલપુરમાં 2744, પાદરામાં 1788 અને કરજણમાં 2170 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેમાં વાઘોડિયામાં એક ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આ ચૂંટણી દરમિયાન ખાસ મતદાન મથકો પૈકી શહેર-જિલ્લાની વિધાનસભાદીઠ એક સહિત કુલ 10 દિવ્યાંગ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગ અધિકારી કર્મીઓને સોંપવામાં આવ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા તમામ દિવ્યાંગજનો મતદાન કરે તેવી તમામ સુવિધાઓ ઉપર ભાર મૂક્યો છે. બીજી તરફ વડોદરા શહેર-જિલ્લામાં કુલ 24897થી વધુ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેમાં 14118 પુરૂષ, 10778 મહિલા અને 1 ટ્રાન્સજેન્ડર મતદાર છે. વડોદરામાં આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો મતદાન કરે અને તેનું મહત્વ સમજે તે ખૂબ જ જરૂરી છે.

દિવ્યાંગજનો ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અગવડ વગર ભાગ લઈ શકે તેવા ઉદ્દેશ્યથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારોને કસ્ટમાઈઝ સુવિધાઓ પ્રદાન કરતું સક્ષમ (Saksham-ECI)એપ્લિકેશન એક મૂલ્યવાન સાધન બની રહ્યું છે. સક્ષમ થકી મતદાતા મતદાન નોંધણી કરવા, મતદાન મથક શોધવા અને મતદાન અધિકારીઓને સંપર્ક કરી શકે જેવી સંખ્યાબંધ સુવિધાઓનો લાભ લઈ શકે છે. આટલું જ નહીં દિવ્યાંગ મતદારોને પ્રજ્ઞાચક્ષુઓ માટે વોઈસ આસિસ્ટન્ટ, સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકો માટે ટેક્સ્ટ-ટુ-સ્પીચ અને મતદાનનાં દિવસે વ્હિલચેર માટે પણ વિનંતી કરવાની સુવિધાઓ પણ આ એપમાં આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા તમામ દિવ્યાંગજનો કોઈપણ પ્રકારની અગવડ વગર મતદાન કરી શકે તેવી તમામ સુવિધાઓ ઉપર ભાર મૂક્યો છે. રાજ્યના તમામ દિવ્યાંગ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા, અશક્ત ઉમેદવારોને મતદાન મથક સુધી લઈ જવા માટે અવસર ડેડીકેટેડ મોબાઈલ વાન, દિવ્યાંગ મતદારો માટે પ્રવેશમાં અગ્રીમતા, ડેઝીગનેટેડ પાર્કિંગ સુવિધા તથા દૃષ્ટિહિન મતદારો માટે બ્રેઈલ બેલેટ પેપરની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

Share :

Leave a Comments