- આરોપી રાજસ્થાનથી જુદા-જુદા વાહન ફોરવ્હીલર કાર, ટેમ્પો, ટ્રક જેવા વાહનમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂનો જથ્થો વાહનોમાં વડોદરા-સુરત ખાતે મોકલતો હતો
વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવાની ગુનાહીત પ્રવૃતી સાથે સંકળાયેલ અને વડોદરા તથા સુરત ખાતે નોંધાયેલ વિદેશી દારૂના 6 ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા બુટલેગરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ટીમે બાતમીના આધારે વડોદરા રેલ્વે સ્ટેશન સામે એસ.ટી.ડેપો રોડ ખાતેથી મહાવીર સંપતલાલ કલાલ (મેવાડા) (ઉ.31) (રહે. ગામ શિવપુર, બલડા ચાર રસ્તા તા.કરડા જિ. ભિલવાડા રાજસ્થાન)ની ઝડપી પાડ્યો હતો. જેની સઘન પૂછપરછ કરતા આ શખસ વડોદરા શહેરના માંજલપુર અને પાણીગેટ પોલીસ સ્ટેશન ઉપરાંત સુરતના ડી.સી.બી. પોલીસ સ્ટેશનના બે ગુનામાં તેમજ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન અને વડોદરા ગ્રામ્યના પાદરા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ 6 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને આ તમામ ગુનાઓના આ ઇસમ પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોવાનું ખુલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પકડાયેલ આરોપી મહાવીર સંપતલાલ કલાલ (મેવાડા)નો પોતાના આર્થિક ફાયદા માટે રાજસ્થાનથી જુદા-જુદા વાહન ફોરવ્હીલર કાર, ટેમ્પો, ટ્રક જેવા વાહનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો વાહનોમાં ભરી વડોદરા તથા સુરત ખાતે મોકલી આપતો હતો અને વિદેશી દારૂના સપ્લાય કરવાની ગુનાહીત પ્રવૃતી સાથે સંકળાયેલ હતો. આ આરોપી સામે અગાઉ વર્ષ 2020માં સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં તેમજ વર્ષ 2022 વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થના ગુનાઓમાં પકડાયેલ હતો. તેમજ આ ઈસમ તેની આ વિદેશી દારૂની ગુનાહીત પ્રવૃતીના કારણે પાસા હેઠળ રાજકોટ જેલમાં જઇ આવ્યો છે.