- સુરતના કામરેજ પોલીસ સ્ટેશન વર્ષ 2025માં તેમજ સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશનમાં 2022માં નોંધાયેલ ઠગાઇના ગુનામાં આરોપી ગજેન્દ્રસિંહ જાદવ 3 વર્ષથી નાસતો ફરતો હતો
લોન અપાવવાના બહાને ફી પેટે લાખો રૂપીયા મેળવી લોન નહીં અપાવી ઠગાઇ કરવાના સુરતના કામરેજ, સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી ગજેન્દ્રસિંહ ભરતસિંહ જાદવ (રહે. ગ્લેશીયર કોમ્પ્લેક્ષ, અનુપમ સોસાયટી, જેતલપુર રોડ, વડોદરા તથા રહે. આમ્રકુંજ સોસાયટી, ખોડીયારનગર વડોદરા મુળ.મોરા ગામ તા.તિલકવાડા, જી.નર્મદા)ને ઝડપી પાડ્યો હતો અને આ ઇસમની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આ ઇસમ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન વર્ષ 2025માં નોંધાયેલ તેમજ સાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ સ્ટેશનમાં 2022માં નોંધાયેલ ઠગાઇના ગુનામાં સંડોવાયેલો છે તેમજ ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો હતો. આરોપીને વધુ તપાસ અર્થે કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી ગજેન્દ્રસિંહ ભરતસિંહ જાદવ વડોદરામાં વર્ક ગ્લોબલ વેલ્થ કેર પ્રાઈવેટ લીમીટેડ નામથી લોન અપાવવાનુ કામ કરતાં હતો. સુરતમાં રહેતો ફરિયાદી આ કંપનીના લોન એજન્ટ તરીકે કામ કરતા હતો. વર્ષ 2024માં ફરીયાદીએ 14 ગ્રાહકોને લોન મળે તે માટે પ્રોસેસીંગ ફી પેટે આરોપીની કંપનીમાં રૂ. 13,97,700ની રકમ જમા કરાવ્યા છતાં લોન નહીં અપાવીને ઠગાઈ કરી હતી.
આરોપીઓ દ્વારા વર્ષ 2022માં વડોદરા ખાતે ભોલેકૃપા ફીન્સર્વ પ્રા.લી. નામની ઓફીસ દ્વારા સસ્તા દરે લોન અપાવવાની લાલચ આપી લોન એપ્રુવના તથા ચાર્જ પેટે ફરીયાદી-સાહેદ પાસેથી કુલ રૂ. 1,22,950ની રકમ મેળવી લોન નહીં અપાવી ઓફિસ બંધ કરી નાસી જઇ ઠગાઇ કરેલ હોય આ ગુનાની તપાસ દરમ્યાન હાલ પકડાયેલ આરોપી ગજેંદ્રસિંહ જાદવની સંડોવણી જણાઇ આવી હતી અને આરોપી આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો હતો.