- શહેરમાં મોટો ક્રોસ યોજાય એવા ઢગલો રોડ છોડી સારા રોડ પર રોડ બનાવાને વિકાસ કહેવાય ?
- પાલિકાના શાસકો તારા અને મારા ની વચ્ચે સ્પર્ધા કરે છે..?
વડોદરા શહેરમાં વિકાસના નામે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થાય છે. જ્યાં જરૂર છે ત્યાં કામો થતા નથી અને જ્યાં જરૂર નથી ત્યાં બિન જરૂરી નાણાં વેડફાઈ જાય છે. પાલિકા રૂપિયા પાંચ કરોડના ખર્ચે રોડ પર રોડ બનાવશે..
પાલિકાના શાસકો અને કહેવાતા કુશળ અધિકારીઓને અને બુદ્ધિને બાર ગાઉ નું છેટું હોય એવા કિસ્સા છાશવારે પ્રકાશમાં આવે છે. તાજેતરમાં વિકાસના નામે રૂપિયા પાંચ કરોડનું રોડનું કામ ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકાના રોડ એન્ડ પ્રોજેક્ટ શાખા દ્વારા પરિવાર ચાર રસ્તા થી શાસ્ત્રી બાગ સુધીના લખોટી ગગડે એવા રોડ પર રોડ બનાવવાનું અધિકારીઓને સૂઝયું છે.
આ રોડ જોયા પછી કોઈ પણ સામાન્ય વ્યક્તિને પૂછવામાં આવે કે, શું આ રોડ નવો બનાવવો પડે એવો છે ? તો જવાબ મળશે કે ના.. ખેર, સારા રોડ પર રોડ બનાવવા માટે સારા ડિવાઈડરનો પણ ભોગ લેવાશે. થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી વડોદરા આવ્યા હતા. આ સમયે ડીવાઈડરને કલર કરવામાં આવ્યો હતો. હવે આ ડીવાઇડર પણ તોડી નાખવામાં આવશે અધિકારીઓનું કહેવું છે કે રોડ પર રોડ બનશે એટલે ડિવાઈડર નીચા થશે. જેના કારણે ડીવાઇડર નવા બનાવી ઉંચા કરવામાં આવશે.
વડોદરા શહેરમાં મોટોક્રોસ યોજી શકાય એવા ઢગલો રોડ છે જે તાકીદે નવા બનાવવાની તાતી જરૂર છે. તો શું સામાન્ય શહેરીજન સમજી શકે છે એ કદાચ સત્તાના નશામાં શાસકો અને અધિકારીઓની સમજ ની બહાર હશે..?
વડોદરા શહેરમાં વિકાસ ના આયોજન પૂર્વે અધિકારીઓ કે શાસકો કોઈ સર્વે નહીં કરતા હોય ? શું મારા અને તારા વિસ્તાર ની ચડશા ચડશી માં પ્રજાના નાણાં જીદ ને ભેટ ચઢી જાય છે ?
આવા સવાલો કોંગ્રેસ પણ કરી રહ્યું છે.
શહેર નો સર્વાંગી વિકાસ ત્યારે જ થાય છે જયારે શાસકોમાં દુર્નદેશી હોય...