- મહિલાએ રડતા રડતાં કહ્યું- મહિને 1500 કોર્પોરેશન લઈ જાય છે છતાં લારી ઉઠાવી ગયા..!!
વડોદરાના કારેલીબાગ બાલભવનથી નરહરિ હોસ્પિટલ સુધી કાચા પાકા ઝૂપડા અને લારીઓના દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે. રસ્તામાં આવતા લારી-ગલ્લા અને કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખા ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા જ લોકો એકઠા થઈ અને આ પ્રકારની કામગીરી સામે વિરોધ કર્યો હતો. જોકે પોલીસ બંદોબસ્ત સાથે ગયેલી પાલિકાની દબાણ શાખાએ કોઈપણ જાતની શરમ કે દયાની લાગણી બતાવ્યા વગર તમામ દબાણો દૂર કરી માલસામાન જપ્ત કરી લીધો હતો. આ કાર્યવાહીથી એક મહિલાએ રડતા રડતા કહ્યું કે, મહિને 1500 કોર્પોરેશન લઈ જાય છે છતાં સામાન સાથે લારી ઉઠાવી ગયા અને અમને બેરોજગાર બનાવી દીધા છે.
મળતી માહિતી અનુસાર વડોદરા મહાનગર સેવાસદન દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરના માર્ગો પરથી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ છે. જેના ભાગરૂપે આજે વડોદરાના કારેલીબાગમાં આવેલા બાલભવનથી ફતેગંજ નરહરિ હોસ્પિટલ સુધી રસ્તામાં આવતા લારી-ગલ્લા અને કાચા-પાકા મકાનોના દબાણો દૂર કર્યા હતા. પાલિકાની દબાણ શાખાએ કેટલીક લારીઓમાં સામાન હોવા છતાં પણ લારીધારોકોને કાઢવા દીધો ન હતો અને સામાન સાથે લારીઓ જપ્ત કરી હતી. લગભગ એક ટેમ્પો જેટલો સામાન પાલિકાએ જપ્ત કર્યો હતો અને દબાણકારોને પુનઃદબાણ ન કરવા માટેની કડક સૂચના આપી હતી. સાથે જ કહ્યુ હતું કે, જો પુનઃદબાણ કરશો તો ફરી લારીઓ ઉઠાવી લેવામાં આવશે. દબાણ શાખાએ અપનાવેલા કડક વલણને પગલે લોકો રોષ હતો.
લારી ધારક પાર્વતીબેન સોનીએ કોર્પોરેશન સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા પ્રતિ માસે રૂપિયા 1500 લઈ જવામાં આવે છે, છતાં પણ અમારી લારી ઉઠાવી ગયા છે. પાલિકાની દબાણ શાખાએ લારીમાં રહેલો સામાન પણ કાઢવા દીધો નથી અને લારી ઉઠાવી ગયા છે. અમે મહેનત કરીને અમારું ગુજરાત ચલાવી રહ્યા છે, પરંતુ પાલિકા અમને ધંધો કરવા દેતી નથી. અમારે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. અમને પહેલા જણાવવામાં આવ્યું હોત તો અમે અમારી જાતે લારીઓ હટાવીને સલામત સ્થળે મૂકી દીધી હોત. પરંતુ પાલિકા સામાન સાથે લારીઓ લઈ ગઈ છે અને અમને બેરોજગાર બનાવી દીધા છે.
પાલિકાની દબાણ શાખાએ પોલીસ બંદોબસ્ત સાથે બાલભુવનથી હોસ્પિટલ ખાતે દબાણ દૂર કરવા જતા ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઈ અપ્રિય ઘટના બની ન હતી, પરંતુ લોકોના ટોળેટોળા એકતા થઈ જવાના કારણે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. કાચા-પાકા મકાન ધારકોએ પોતાનો સામાન દબાણ શાખાની ટીમ આવતાની સાથે જ કાઢી લીધો હતો. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક વખત સૂચના આપવા છતાં પણ દબાણ દૂર ન કરતા હોવાથી આજે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આવનારા દિવસોમાં જો લોકો દ્વારા દબાણો કરવામાં આવશે તો દબાણ દૂર કરવામાં આવશે.
પાલિકાના અધિકારીઓ એમ પણ જણાવ્યું હતું કે, માત્ર કારેલીબાગ કે ફતેગઢમાં નહીં પરંતુ સમગ્ર શહેરમાં રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. રસ્તામાં જે પણ દબાણો થયા હશે તે દબાણો કોઈની છે શરમ રાખ્યા વગર દૂર કરી દેવામાં આવશે. જેથી રસ્તો ખુલ્લો રાખીને પોતાનો વ્યવસાય કરવા માટે જણાવવામાં આવ્યું છે.